Thursday, Oct 30, 2025

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે UNSC બેઠક યોજાઈ, પાકને લાગ્યો મોટો ઝટકો

1 Min Read

જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવે આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની તાત્કાલિક બંધ બારણે બેઠક બોલાવવાની માંગ કરી હતી.જો કે આ બેઠકમાં પાકિસ્તાનને નિરાશા હાથ લાગી તેમજ કોઇ ઔપચારિક ઠરાવ પસાર થયો ન હતો.

આ બેઠક પછી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકનો ઉદ્દેશ્ય પ્રાપ્ત થયો છે. તેમણે કહ્યું કે બેઠકમાં જમ્મુ કાશ્મીર મુદ્દાના ઉકેલ પર ચર્ચા કરવામાં આવી હતી. કાઉન્સિલના ઘણા સભ્યોએ પુનરોચ્ચાર કર્યો કે આ વિવાદનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અનુસાર શાંતિપૂર્ણ રીતે આવવો જોઈએ.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આ બેઠકમાં ઘણા સભ્યોએ રાજદ્વારી ઉકેલની માંગ કરી હતી. આસીમ ઇફ્તિખારે દાવો કર્યો હતો કે બેઠક દરમિયાન એ વાત સ્વીકારવામાં આવી હતી કે પ્રાદેશિક સ્થિરતા ફક્ત લશ્કરી શક્તિ દ્વારા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંવાદ દ્વારા પણ શક્ય છે.આ બેઠકનો હેતુ દક્ષિણ એશિયામાં વધી રહેલા લશ્કરી તણાવને ઘટાડવા માટે રાજદ્વારી માર્ગ શોધવાનો હતો.

Share This Article