Monday, Dec 8, 2025

સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ

3 Min Read

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના એમ્બ્રોઈડઈરીના કારખાનામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. જૂના કારીગરે ફેક્ટરી માલિક સાથે માથાકૂટ કર્યા બાદ રિવોલ્વરથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને બાદમાં એક મોબાઈલ લૂંટ કરી ફરાર થઈ ગયો. આરોપી જતાં જતાં કારીગરોને કહેતો ગયો કે માલિકને કહેજો કે 10 લાખ તૈયાર રાખે. સમગ્ર મામલે પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે. સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરાઈ છે.

સુરતના પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે મદનસિંહ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે. ગત રોજ (5 જૂન) બપોરે ખાતામાં ત્રણ કારીગર, જેમા મોહંમદ સમીર કમરુદ્દીન અંસારી, દેવેન્દ્રકુમાર દધીબલ પ્રસાદ ભારતી અને રાકેશ સહાની હાજર હતા. આશરે સાડાબારેક વાગ્યે દોઢેક વર્ષ પહેલાં ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો હતો, તેની પાસે બંદૂક હતી. તે અને તેની સાથે બીજો એક અજાણ્યો શખસ હતો તે બંનેએ ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

કારખાનાના માલિક મદનસિંહ ભાટીએ જણાવ્યું હતું કે હું માર્કેટમાં હતો અને મારા ખાતામાં બે જેટલા શખસ ઘૂસ્યા હતા, જે પૈકી એક મારો જૂનો કારીગર હતો, જે દોઢ વર્ષ પહેલાં કામ કરતો હતો. આ બંને શખસે કારીગરોને ધાકધમકી આપી હતી અને અહીં કામ નહીં કરવાનું જણાવ્યું હતું. આ સાથે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવ્યા બાદ તમારા માલિકને કહી દેજો કે દસ લાખ રૂપિયા તૈયાર રાખે તેવી ધમકી આપીને તેઓ ફરાર થઈ ગયા હતા.

ધાકધમકી આપી બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ત્યાંથી ભાગી ગયો
આ અંગે પીઆઈ વી.એમ.દેસાઈએ જણાવ્યું હતું કે ગઇકાલે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ ફરિયાદીના ખાતામાં અગાઉ કામ કરતો દિલીપસિંહ ઉર્ફે દીપક આવ્યો હતો અને અગાઉ તેને જે કારીગરો સાથે ઝઘડો થયો હતો અને તેઓ ત્યાં કેમ કામ કરે છે એ બાબતે ધાકધમકી આપી બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ત્યાંથી ભાગી ગયો હતો. એ અનુસંધાને ફરિયાદ લઇને સીસીટીવીના આધારે તથા તેનો ફોટો આઇડી અને મોબાઇલ નંબરના આધારે ત્રણ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. આરોપી એકથી દોઢ વર્ષ પહેલાં ફરિયાદીના ખાતામાં કામ કરતો હતો. આરોપી ત્રણ કારીગરના મોબાઇલ તથા રોકડા રૂ 300ની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.

Share This Article