Friday, Oct 24, 2025

સલમાનના ઘર પર ફાયરિંગની ઘટનામાં વપરાયેલી બે પિસ્તોલ તાપી નદીમાંથી મળી આવી

2 Min Read

મુંબઈમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘર બહાર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં આરોપીઓએ પિસ્તોલ સુરતની તાપી નદીમાં ફેંકી હોવાનું બહાર આવ્યું હતું. મુંબઈ ક્રાઇમ બ્રાંચના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઓફિસર દયા નાયક પોતાની ટીમ સાથે બંને હુમલાખોરોને લઈને સોમવારે સવારે સુરત આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસ દરમ્યાન નદીમાંથી બે પિસ્તોલ, ૪ કાર્ટીઝ અને ૧ મોબાઈલ ફોન પણ મળી આવ્યાં છે.

ઉત્રાણ રેલવે બ્રિજ પરથી ફાયરિંગ કરનારા આરોપીઓએ તાપી નદીમાં બંને હથિયાર ફેંકી દીધાં હતાં. આ હથિયારો શોધવા માટે મુંબઈના ૬ તરવૈયા, ઉત્રાણના ૮ તરવૈયા ઉપરાંત ૨ સ્પેશિયલ બોટ લઈને તાપી નદીમાં હથિયારની શોધખોળ શરૂ કરી હતી, જેમાં એક હથિયાર મળી આવ્યું હતું, જ્યારે બીજુ હથિયાર મોડીરાત સુધી શોધખોળ કરવા છતાં મળ્યું ન હતું. આ સાથે જ મુંબઈ પોલીસે ઉત્રાણ રેલવે બ્રિજ પાસે તાપી નદીમાં માછીમારી કરતા ૧૦ માછીમારોની પણ પૂછપરછ કરી હોવાની માહિતી મળી છે.

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યા બાદ શૂટર વિકી ગુપ્તા તેના નાના ભાઈ સોનુ ગુપ્તાના સંપર્કમાં હતો અને તેની સાથે લાંબા સમય સુધી વાત કરતો હતો. તેના આધારે ક્રાઈમ બ્રાન્ચ હજુ પણ સોનુ ગુપ્તાની સતત પૂછપરછ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને શૂટર સલમાન ખાનના ઘરે ગોળીબાર કરવાના હતા પરંતુ પકડાઈ જવાના ડરને કારણે માત્ર એક જ શૂટર ગોળીબાર કરી શક્યો હતો. મોટાભાગના પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ ક્રાઈમ બ્રાન્ચ લોરેન્સ વિશ્નોઈની કસ્ટડી માટે કોર્ટમાં જશે.

આ પણ વાંચો :-

Share This Article