Wednesday, Nov 5, 2025

સુરતમાં ખાડીમાં તણાઈ ગયેલા યુવકોમાંથી બે બચ્યા, 18 વર્ષીય યુવક માટે શોધ ચાલુ

2 Min Read

સુરત ખાડીમાં ત્રણ યુવક તણાયા છે. ફાયર બ્રિગેડે બેનો બચાવ કર્યો હતો જ્યારે એક યુવક હજુ ગુમ છે. પુણા-કુંભારિયા વિસ્તારમાં આવેલી એક ખાડીમાં આજે સવારે બનેલી ઘટનામાં એક યુવક ખાડીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર આજે સવારે ત્રણ જેટલા યુવકો ખાડી પાસે હતા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધતા તેઓ ફસાઈ ગયા હતા. આ પૈકી બે યુવકોને ફાયર બ્રિગેડ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને ખાડીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, 18 વર્ષીય અર્જુન નામનો યુવક હજુ પણ લાપતા છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તંત્ર દ્વારા અર્જુનને શોધવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો પણ અર્જુન સહીસલામત મળી આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

સુરતમાં ગતરોજ (23 જૂન) બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો. જોકે, રાત્રિના બે વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 24 જૂનની સવારે 4 વાગ્યાથી 6:00 વાગ્યા સુધીમાં સુરતમાં વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો 6:00 વાગ્યાથી 8ઃ00 વાગ્યા સુધીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે સુરતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી લઈને ગળા સુધી પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ પાણીમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા ટ્રેક્ટર અને બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

Share This Article