અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ પૂર્વે શ્રીજીની આગમનયાત્રા દરમિયાન બે અલગ અલગ દુર્ઘટનાઓ સર્જાતા શોક અને ચિંતાનો માહોલ સર્જાયો છે. ગડખોલથી અંદાડા રોડ પર હરિકૃપા સોસાયટીની આગમનયાત્રામાં ડી.જે.નો ટેમ્પો અચાનક રિવર્સ થતા નાચતા બાળકોને અડફેટે લીધો હતો. આ ઘટનામાં 5 વર્ષની નવ્યા પ્રવીણસિંહનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે ત્રણ અન્ય બાળકો દિયાન, જનક અને કૃષ્ણા ઈજાગ્રસ્ત થયા છે.ત્યાંજ બીજી તરફ, COP-7 ગ્રુપની આગમનયાત્રા દરમિયાન ડી.જે.ના મોટા અવાજથી ભડકેલો આખલો ભીડમાં ઘૂસી જતા ચાર મહિલા સહિત 8થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખસેડાયા છે. આ દુર્ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ટેમ્પોના માલિક રાકેશે વાહન ચલાવવાની જવાબદારી ચિરાગ વ્યાસને સોંપી હતી, અને નિયંત્રણ ગુમાવતાં આ દુર્ઘટના બની હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.ગણેશ મહોત્સવની શરૂઆત પૂર્વે બનેલી આ દુર્ઘટનાઓએ શહેરમાં માહોલ ગમગીન કરી દીધો છે.