મંગળવારે દ્વારકા અને દિલ્હીના પ્રશાંત વિહારમાં આવેલી બે CRPF શાળાઓને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકીઓ મળી હતી. સાકેત કોર્ટ અને રોહિણી કોર્ટને પણ ધમકીના મેઈલ કરવામાં આવ્યા હતા. માહિતી મળતાં દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક તમામ સ્થળોએ પહોંચીને તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. સૂત્રોનું કહેવું છે કે, આ ઇમેઇલ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના નામે મોકલવામાં આવ્યો હતો, જેના કારણે સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં સતર્કતા વધારી દીધી છે.
બે કોર્ટને પણ મળ્યા ધમકીભર્યા મેઈલ
મંગળવારે દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી હતી જ્યારે એક જ દિવસમાં બે CRPF શાળાઓ અને બે કોર્ટ સંકુલમાં બોમ્બ હોવાની ધમકીભર્યો મેઈલ આવ્યો. દ્વારકાની CRPF પબ્લિક સ્કૂલ અને પ્રશાંત વિહારમાં CRPF સ્કૂલને ધમકીભર્યો ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. આ જ ઇમેઇલમાં સાકેત કોર્ટ અને રોહિણી કોર્ટને પણ નિશાન બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો.
પરિસર ખાલી કરાવીને સંપૂર્ણ તપાસ કરવામાં આવી
માહિતી મળતાં જ દિલ્હી પોલીસ, CRPF અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સાવચેતીના પગલા તરીકે સ્કૂલ તેમજ કોર્ટ પરિસર ખાલી કરાવીને સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે જણાવ્યું હતું કે, બંને શાળાઓમાં સઘન તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. કોર્ટ પરિસરમાં પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.સાકેત કોર્ટ અને રોહિણી કોર્ટ સંકુલમાં પહેલાથી જ કડક સુરક્ષા વ્યવસ્થા હતી. ધમકી બાદ, પોલીસે ચેકિંગ અને વિસ્તારની દેખરેખ વધારી દેવામાં આવી છે. બંને સ્થળોએ તપાસ કર્યા પછી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી ન હતી.