અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે વિશ્વના અગ્રણી ટેક દિગ્ગજો સાથે ખાસ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં મેટાના માર્ક ઝુકરબર્ગ, એપલના ટિમ કૂક, ગૂગલના સુંદર પિચાઈ, માઇક્રોસોફ્ટના સત્યા નડેલા, ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન સહિત અનેક ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
ડિનર દરમિયાન ટ્રમ્પે તમામ દિગ્ગજોને અમેરિકામાં કરાનારા રોકાણ અંગે પૂછપરછ કરી. મેટા અને એપલે અમેરિકામાં $500 બિલિયનનું રોકાણ કરવાની જાહેરાત કરી, જ્યારે ગૂગલના સુંદર પિચાઈએ આગામી બે વર્ષમાં $250 બિલિયનના રોકાણની જાહેરાત કરી. માઇક્રોસોફ્ટના સત્યા નડેલાએ પણ આ વર્ષે $80 બિલિયન સુધીનું રોકાણ કરવાનો પ્લાન જાહેર કર્યો.આ બેઠકમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ રહ્યો કે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્ક હાજર નહોતા. ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના તણાવને કારણે તેમને આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાનું માનવામાં આવે છે. તેના સ્થાને, ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનને ખાસ સ્થાન મળ્યું.
ભારતીય મૂળના અનેક સીઈઓ પણ આ ખાસ ડિનરમાં પ્રભુત્વ ધરાવતા હતા. જેમાં માઇક્રોસોફ્ટના સત્યા નડેલા, ગૂગલના સુંદર પિચાઈ અને માઈક્રોનના સંજય મહેતા જેવા નામો સામેલ છે.ટ્રમ્પે આ અવસર પર ટેક દિગ્ગજોને “અમેરિકાને નવા સ્તરે લઈ જનાર શક્તિ” ગણાવ્યા અને જણાવ્યું કે આ રોકાણોથી લાખો નવી નોકરીઓ ઊભી થશે.