ડાયમંડ ઈન્ડસ્ટ્રી મોટા પાયે લોકોને નોકરી આપે છે. આ ઉદ્યોગમાં હીરાના કટિંગથી લઈને પોલિશિંગ સુધીના કામમાં મોટા પાયા પર શ્રમિક અને કુશળ કારીગર લાગે છે. પરંતુ તેના રોજગાર પર મોટું સંકટ પેદા થયું છે. આ બધુ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની જાહેરાતને કારણે થયું છે. ડાયમંડ કટિંગ અને પોલિશિંગના કામમાં લાગેલા આશરે 1 લાખ લોકોએ પોતાનો રોજગાર ગુમાવવો પડ્યો છે.
ગુજરાતના સુરત અને સૌરાષ્ટ્રમાં હીરાનું કામ મોટા પાયે ચાલે છે. સુરત તેનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલમાં 10 ટકા એક્સ્ટ્રા ટેરિફ ડાયમંડ પર લગાવ્યો હતો.
ત્યારથી ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં હાહાકાર મચી ગયો છે અને 1 લાખ લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે. ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયનના ઉપ પ્રમુખ ભાવેશ ટાંકએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું કે છેલ્લા 10 દિવસમાં સૌથી વધુ નોકરી ગઈ છે. આવું એટલા માટે થયું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને 10થી 25 ટકા અને પછી 50 ટકા સુધી વધારી દીધો છે.
નિષ્ણાતોનો અંદાજ છે કે વધારાના ટેરિફને કારણે અમેરિકામાં બિન-ઔદ્યોગિક હીરા – ઝવેરાત અથવા રોકાણ માટે યોગ્ય હીરા – ની નિકાસને અસર થશે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના ડેટા મુજબ, 2024 માં અમેરિકાની કુલ હીરાની આયાતમાં ભારતનો હિસ્સો વોલ્યુમમાં 68% અને મૂલ્યમાં 42% ($5.79 બિલિયન) હતો.