Thursday, Oct 23, 2025

ટ્રમ્પના ટેરિફનો તાંડવ શરૂ! ઘણી ફેક્ટરીઓમાં બંધ થઈ ગયું કામ, કરોડોના ઓર્ડર થયા કેન્સલ

3 Min Read

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો કહેર શરૂ થઈ ગયો છે. એમ તો ઘણા સેક્ટર એવા છે, જેના પર તેની અસર થઈ છે, પરંતુ કાપડ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું હોય તેવું લાગે છે. તમિલનાડુમાં પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, અમેરિકાના આયાતકારોએ કરોડોના ઓર્ડર રદ કર્યા પછી ફેક્ટરીઓએ તેમનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

ભારતીય ઉદ્યોગપતિઓના બધા ઓર્ડર કાં તો રદ કરવામાં આવ્યા છે અથવા અન્ય દેશોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

તમિલનાડુના તિરુપુરમાં કાપડના કારખાનાઓ સુસ્ત બન્યા છે. અહીંના કાપડ નિકાસકારો કહે છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ૫૦ ટકા ટેરિફ લાદવામાં આવ્યા પછી, ઘણા ઓર્ડર હોલ્ડ પર રાખવામાં આવ્યા છે અથવા રદ કરવામાં આવ્યા છે. ભારતીય નિકાસકારોના ઘણા ઓર્ડર બાંગ્લાદેશ, પાકિસ્તાન, વિયેતનામ અને કંબોડિયા ગયા છે. આ દેશોમાં ટેરિફ ૧૯થી ૩૬ ટકા સુધીનો છે, જે ભારત કરતા ઘણો ઓછો છે.

તિરુપુરના એક નિકાસકારે જણાવ્યું કે, ભારતથી અમેરિકા જતી બધી શિપમેન્ટ હવે પાકિસ્તાનને મળી ગયા છે. ઘણા અમેરિકન ખરીદદારોએ તેમના ઓર્ડર હોલ્ડ પર રાખ્યા છે. કેટલાક નિકાસકારો કહે છે કે, અમેરિકન ખરીદદારો ૨૫ ટકા ટેરિફ સહન કરવા સંમત થયા છે, પરંતુ જો તે બમણું કરવામાં આવે તો તે શક્ય બનશે નહીં. તેઓ ફરિયાદ કરે છે કે, ટેરિફ પછી કેટલાક ઉત્પાદનોના ભાવ ૬૪ ટકા સુધી વધી જશે, જે અમારા સ્પર્ધકો કરતા ૩૫ ટકા વધુ હશે.

ઉદ્યોગ પ્રતિનિધિઓએ જણાવ્યું કે, અમેરિકન ખરીદદારોના ર્નિણય અનુસાર ઓર્ડરના અમલીકરણ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. અમેરિકા દ્વારા ભારત પર ૫૦ ટકા ડ્યુટી લાદવામાં આવ્યા બાદ અમેરિકામાં કાપડ અને વસ્ત્રોના નિકાસકારો રાહ જુઓની સ્થિતિમાં છે. આનો અર્થ એ છે કે, તેઓ તાત્કાલિક કોઈ મોટું પગલું ભરી રહ્યા નથી, પરંતુ પહેલા ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી રીતે બદલાય છે તે જાેવા માંગે છે, જેથી તે મુજબ ર્નિણય લઈ શકાય. ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા પછી, તિરુપુરના ઉદ્યોગપતિઓને બ્રિટિશ બજાર પાસેથી આશા છે.

ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, અમેરિકાના બજારમાં કુલ કાપડ નિકાસમાં એકલા તિરુપુર વાર્ષિક આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું યોગદાન આપે છે, જે આ પ્રદેશમાંથી ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની કુલ વાર્ષિક નિકાસના લગભગ ૩૦ ટકા છે.

તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશન (ટીઇએ)ના પ્રમુખ કે.એમ. સુબ્રમણ્યમે જણાવ્યું કે, અમેરિકામાં ૧૨૦૦૦ કરોડ રૂપિયાની નિકાસમાંથી ૫૦ ટકા અથવા ૬૦૦૦ કરોડ રૂપિયાના વ્યવસાયને ટેરિફથી અસર થશે. કેટલાક હજુ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. હાલમાં તેઓએ (અમેરિકામાં નિકાસ કરતા ઉત્પાદકો) ઉત્પાદન બંધ કરી દીધું છે.

Share This Article