Sunday, Oct 5, 2025

મધ્ય ગુજરાતની ₹10,000 કરોડથી વધુની ફાર્મા નિકાસ પર ટ્રમ્પ ટેરિફનો સીધો પ્રહાર

3 Min Read

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળી પહેલાં જ ભારતના ફાર્મા ઉદ્યોગો પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરીને ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. આ ટેરિફના બોમ્બની સૌથી વધુ અને વ્યાપક અસર ગુજરાતના દવા ઉદ્યોગ પર થવાની ભીતિ છે. ભારતમાંથી અમેરિકામાં દવાઓ અને ફાર્મા પ્રોડક્ટ્સની નિકાસ લગભગ 12 અબજ ડોલર પર પહોંચી છે. દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 33 ટકા જેટલો છે, અને અમેરિકામાં થતી નિકાસમાં પણ રાજ્યનો હિસ્સો 30 ટકા જેટલો છે.

મધ્ય ગુજરાતને મોટો ફટકો:
વડોદરા ફાર્માસ્યુટિકલ મેન્યુફેકચરર એસોસિએશનના પ્રમુખ ભરત દેસાઈના મતે, ગુજરાતમાંથી અંદાજે ચાર અબજ ડોલરની ફાર્મા પ્રોડક્ટ્સની અમેરિકામાં નિકાસ થાય છે. ગુજરાતના કુલ ઉત્પાદનમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતના દવા ઉદ્યોગોનો ફાળો લગભગ 25 થી 30 ટકા છે. આ ગણતરી પ્રમાણે, ટ્રમ્પ દ્વારા ઝીંકાયેલા આ ટેરિફના કારણે મધ્ય ગુજરાતની ₹10,000 કરોડ કરતાં વધુની નિકાસ પર સીધી અસર પડી શકે છે.

દવા ઉદ્યોગ નોટિફિકેશનની રાહમાં:
ટ્રમ્પે કરેલી જાહેરાતમાં જનરિક દવાઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે દવા ઉદ્યોગો હાલ ચિંતામાં છે અને અમેરિકન ઓર્ડર બાદ બહાર પડનારા સત્તાવાર નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે, જેનાથી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.

જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પની જાહેરાત પ્રમાણે મુખ્યત્વે બ્રાન્ડેડ પેટન્ટેડ દવાઓ પર 100 ટકા ટેરિફ નાખવામાં આવશે. જોકે, બ્રાન્ડેડ જનરિક દવાઓ પર તેની અસર અંગે કોઈ સ્પષ્ટતા નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી 80 ટકા દવાઓ જનરિક હોય છે. જો બ્રાન્ડેડ જનરિક દવાઓ પર પણ 100 ટકા ટેરિફ લાગુ થશે તો: ભારતની નિકાસ પર ચોક્કસપણે ગંભીર અસર થશે.

ગુજરાતમાંથી નિકાસ થતી મુખ્ય દવાઓ:

  • એન્ટી કેન્સર
  • એન્ટી ડાયાબિટીક
  • પેઈન કિલર અને પેરાસિટામોલ
  • એન્ટી બાયોટિક
  • કાર્ડિઓવાસ્ક્યુલર ડિસિઝ (હૃદય સંબંધિત રોગો)

નવા માર્કેટ શોધવાનો પડકાર:
ગુજરાતમાં બનતી દવાઓની નિકાસ અમેરિકા ઉપરાંત દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા અને સાઉથ ઈસ્ટ એશિયાના અનેક દેશોમાં પણ થાય છે. જો અમેરિકાની નિકાસને ફટકો પડશે, તો ગુજરાતના ઉદ્યોગોને અન્ય દેશોમાં નવું માર્કેટ શોધવું પડશે, જેમાં સમય લાગી શકે છે. આ બાબત દવા ઉદ્યોગો માટે એક મોટો પડકાર બની રહેશે.

જોકે, સૂત્રોનું કહેવું છે કે ભારતમાંથી આયાત થતી તમામ દવાઓ પર 100 ટકા ટેરિફ નાંખવામાં આવે તો તેનાથી અમેરિકાની મુશ્કેલીઓ પણ વધશે, કારણ કે હાલમાં જ અમેરિકામાં વેચાતી દવાઓની કિંમત ભારત કરતાં ચાર ગણી વધારે છે. અમેરિકાને ઘરઆંગણે ભારત જેટલી સસ્તી દવાઓનું ઉત્પાદન કરવા માટે સક્ષમ બનતા ઓછામાં ઓછા 8 થી 10 વર્ષનો સમય લાગી શકે છે.

Share This Article