Wednesday, Oct 29, 2025

કાનપુરમાં ટ્રેન અકસ્માત, સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

3 Min Read

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે ટ્રેન અકસ્માત સર્જાયો છે. કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક સેક્શનમાં સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. મળતી માહિતી અનુસાર, ડ્રાઈવર કહી રહ્યો છે કે, બોલ્ડર એન્જિન સાથે અથડાયું છે. જેના કારણે એન્જીનના કેટલ ગાર્ડને ખરાબ રીતે નુકસાન થયું છે. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રેન વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ઉત્તર-મધ્ય રેલવે (NCR)ના મુખ્ય જનસંપર્ક અધિકારી શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે, આ અકસ્માત આશરે સવારે 2.30 વાગ્યે બન્યો હતો. તેમણે જણાવ્યું છે કે, કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે હાલ આ અકસ્માતમાં કોઈના મોત કે ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા નથી. ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, એક મોટો પથ્થર ટ્રેનના એન્જિન સાથે અથડાયો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. તેમણે કહ્યું કે, ટ્રેનના એન્જિનના આગળના ભાગમાં જાનવરોને બચાવવા માટે લગાવવામાં આવેલ ‘કેટલ ગાર્ડ’ આ અથડામણને કારણે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને વળી ગયો હતો.

આ દુર્ઘટના અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું છે કે, “સાબરમતી એક્સપ્રેસ (વારાણસીથી અમદાવાદ)નું એન્જિન આજે સવારે 2.35 વાગ્યે કાનપુર નજીક ટ્રેક પર પડેલી કોઈ વસ્તુ સાથે અથડાયું હતું. આ પછી તેના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.” રેલવે મંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર આગળ લખ્યું કે, “અકસ્માતના પુરાવા સુરક્ષિત છે. IB અને યુપી પોલીસ પણ આ કેસની તપાસમાં વ્યસ્ત છે. આ ઘટનામાં મુસાફરો કે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી. અમદાવાદ સુધી મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.”

ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને રેલવેના અધિકારીઓના અહેવાલ અનુસાર ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. ઘણી બધી ટ્રેનો પણ હવે મોડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના રુટમાં આવતી ટ્રેનોની અવર-જવરને અસર થશે. ઉપરાંત દુર્ઘટનાને પગલે અનેક ટ્રેનોના રૂટને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article