ગુજરાતના ભરૂચના યુવકનું કેનેડામાં ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજ્યું છે. યુવક અભ્યાસ માટે કેનેડા ગયો હતો. જ્યાં તેનો ટ્રક સાથે ગંભીર અકસ્માત થતાં મોત નિપજ્યું હતું. 25 વર્ષીય યુવકના મોતના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવકના અકસ્માતનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ગુજરાતના ભરૂચનો રહેવાસી ઋષભ લિંબાચિયા પોતાના સપનાંઓને ઉડાન આપવા માટે વતનથી દૂર અભ્યાસ માટે ગયો હતો. 25 વર્ષનો ઋષભ ભરૂચના આમોદ ગામમાં કાલિકા માતા વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો અને આશરે 3 વર્ષ પહેલાં સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. ત્યારે એકાએક કેનેડાથી તેના અકસ્માતના સમાચાર આવતા પરિવારના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. મળતી માહિતી મુજબ, યુવકનો કેનેડાના બ્રેમટનમાં અકસ્માત થયો હતો. ઋષભ પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે એકાએક સામેથી આવતી ટ્રકે ગાડીને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો અને યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.