નાયગ્રા ધોધથી ન્યુયોર્ક શહેર જઈ રહેલી એક પ્રવાસી બસ પલટી ગઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થયા છે અને અનેક મુસાફરોને ઈજાગ્રસ્ત થયા હતા. ન્યૂયોર્ક સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ હતી. આ અકસ્માત શુક્રવારે (22મી ઓગસ્ટ) સર્જાયો હતો.
અહેવાલો અનુસાર, બસમાં 54 મુસાફરો હતા. મોટાભાગના મુસાફરોએ સીટ બેલ્ટ પહેર્યા નહોતા, જેના કારણે અકસ્માત દરમિયાન બારીઓ તૂટી જતાં ઘણા મુસાફરો બસમાંથી નીચે પડી ગયા હતા. બસમાં બાળકો પણ હતા અને મોટાભાગના મુસાફરો ભારતીય, ચીની અને ફિલિપિન્સના હતા. મર્સી ફ્લાઇટ અને અન્ય ઈમરજન્સી સેવાઓએ ઈજાગ્રસ્ત લોકોને બફેલોમાં એરી કાઉન્ટી મેડિકલ સેન્ટર સહિત વિસ્તારની હોસ્પિટલોમાં પહોંચાડ્યા હતા. 40થી વધુ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. મુસાફરોને માથામાં ઈજાઓથી લઈને તૂટેલા હાથ અને પગ સુધીની ઈજાઓ પહોંચી છે.