મ્યાનમારમાં તાજેતરમાં TikTok પર ભૂકંપ વિશેની ખોટી આગાહી કરી ભારે ગભરાટ ફેલાવનાર એક લોકપ્રિય જ્યોતિષીની ધરપકડ કરવામાં આવી છે. જોન મોએ નામના આ જ્યોતિષીે 9 એપ્રિલના દિવસે એક TikTok વિડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે 21 એપ્રિલે મ્યાનમારના દરેક શહેરમાં ભૂકંપ આવશે. આ વીડિયોને 30 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા અને તેમના અનુયાયીઓમાં ચિંતા વ્યાપી હતી. જે લોકોએ આ આગાહી માનેલી, તેમણે ઘર છોડીને ખુલ્લા મેદાનોમાં કેમ્પ લગાવ્યો હતો.
મ્યાનમારના માહિતી મંત્રાલય અનુસાર, જોન મોએ ખોટી માહિતી ફેલાવીને જાહેર ગભરાટ ઉભો કર્યો અને તેના લીધે લોકોમાં ભય અને અનિશ્ચિતતા વધી હતી. એએફપીના રિપોર્ટ પ્રમાણે, તેની ધરપકડ સાગાઈંગ શહેરમાં તેના નિવાસસ્થાને દરોડા પાડીને કરવામાં આવી હતી. જોન મોનું TikTok અકાઉન્ટ હવે બંધ કરી દેવાયું છે, જે પહેલાં 3 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતું હતું અને હસ્તરેખા તથા જ્યોતિષના આધારે આગાહીઓ આપવા માટે જાણીતું હતું.
જ્યોતિષીની આગાહીની બિનજવાબદારી અને ખોટા દાવાઓ સામે કાર્યવાહી કરવી માગતી સરકારનું કહેવું છે કે ભવિષ્યમાં આવા ગુનાઓને અટકાવવાની દિશામાં આ પગલું મહત્વપૂર્ણ છે. ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓની ચોક્કસ આગાહી અસંભવ છે, એવું નિષ્ણાતો પણ જણાવે છે. 28 માર્ચે મ્યાનમારમાં આવેલા 7.7 તીવ્રતાના ભૂકંપ બાદ લોકોનો ડર વધુ વઘારાયો છે.