Saturday, Nov 22, 2025

ત્રણ પ્રકારની મેદસ્વિતાઃ સ્વાસ્થ્ય માટે ‘સ્થૂળતાનું પ્રમાણ’ જાણીને તેને ઘટાડવી ખૂબ જરૂરી

3 Min Read

‘સ્વસ્થ નાગરિક’ એ રાષ્ટ્રની મહત્વની મૂડી છે. સ્વાસ્થ્ય પ્રત્યે નાગરિકો જાગૃત બને અને ‘મેદસ્વિતા’થી મુક્ત બને તેવા હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે.

મેદસ્વિતા સ્વાસ્થ્ય સામે અનેક જોખમો સર્જતી હોવાથી તેને ઘટાડવી જરૂરી છે. મેદસ્વિતા (Obesity)ને જાડાપણું અથવા સ્થૂળતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ એક એવો વિકાર છે, જેમાં શરીરમાં વધુ પડતી મેદપેશી (ચરબી) જમા થાય છે. જ્યારે કોઈ વ્યક્તિનું વજન તેના આદર્શ વજન કરતાં ૨૦ ટકાથી વધુ હોય છે, ત્યારે આ સ્થિતિ પાચનતંત્ર, શારીરિક રચના અને આરોગ્યને લગતી સમસ્યાઓ પેદા કરી શકે છે.

મેદસ્વિતાનું નિદાન સામાન્ય શારીરિક તપાસ દ્વારા કરી શકાય છે. શરીરમાં ચરબીના પ્રમાણને ચોકસાઈપૂર્વક માપવાની તકનીકો ઉપલબ્ધ છે, પરંતુ તેનો સામાન્ય રીતે વ્યવહારિક નિદાનમાં ઉપયોગ થતો નથી.

મેદસ્વિતાને માપવા અને તેનું પ્રમાણ નક્કી કરવા માટે બે મુખ્ય પદ્ધતિઓનો ઉપયોગ થાય છે:

  • સાપેક્ષ વજન (Relative Weight – RW) પદ્ધતિ

આ પદ્ધતિમાં વ્યક્તિનું વજન, તેની ઊંચાઈના આધારે સામાન્ય ગણાતા ઈચ્છિત વજનની સરખામણીમાં કેટલું વધુ કે ઓછું છે, તે ટકાવારીમાં ગણાય છે. જો RW ૧૨૦ ટકા કે તેથી વધુ હોય, તો તે મેદસ્વિતા સૂચવે છે. સાપેક્ષ વજનની ગણતરી નીચે પ્રમાણે કરી શકાય છે.
સાપેક્ષ વજન RW (કિ.ગ્રા.) = વ્યક્તિનું વજન (કિ.ગ્રા.) ÷ વ્યક્તિનું ઈચ્છિત વજન (કિ.ગ્રા.) 100

  • દેહદળ સૂચકાંક (Body Mass Index – BMI) પદ્ધતિ

BMI એ વ્યક્તિના શરીરમાં રહેલી વધારાની ચરબીનું પ્રમાણ દર્શાવે છે. તેની ગણતરી વજન (કિલોગ્રામમાં) ને ઊંચાઈ (મીટરમાં)ના વર્ગ વડે ભાગીને કરવામાં આવે છે, એટલે કે, દેહદળ સૂચકાંક BMI = વ્યક્તિનું વજન કિ.ગ્રા ÷ ઊંચાઈ (મીટરમાં)² છે.
સામાન્ય BMI ૨૦થી ૨૫ કિગ્રા/મીટર² ગણાય છે. જ્યારે ૨૭ કિગ્રા/મીટર² કે તેથી વધુ મેદસ્વિતા ગણાય છે.
મેદસ્વિતાનું વર્ગીકરણ દેહદળ સૂચકાંક (BMI) અને સાપેક્ષ વજન (RW)ના આધારે ત્રણ મુખ્ય શ્રેણીઓમાં કરવામાં આવે છે:
(૧) અલ્પ મેદસ્વિતા: આ શ્રેણીમાં સાપેક્ષ વજન (RW) ૧૨૦% થી ૧૪૦% ની વચ્ચે હોય છે, અને દેહદળ સૂચકાંક (BMI) ૨૦ થી ૩૦ કિગ્રા./મીટર² હોય છે.
(૨) મધ્યમ મેદસ્વિતા: આ શ્રેણીમાં RW ૧૪૦% થી ૨૦૦%ની વચ્ચે હોય છે, જ્યારે BMI ૩૦ થી ૪૦ કિગ્રા./મીટર² ની વચ્ચે હોય છે.
(૩) તીવ્ર મેદસ્વિતા: આ સૌથી ગંભીર શ્રેણી છે, જેમાં સાપેક્ષ વજન RW ૨૦૦%થી વધુ હોય છે અને દેહદળ સૂચકાંક (BMI) ૪૦ કિગ્રા./મીટર²થી વધુ હોય છે.

મેદસ્વિતા અંગે બીજી નોંધવા જેવી બાબત એ છે કે, શરીરના કયા ભાગમાં ચરબી જમા થાય છે તેને ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. પેટ અને પડખાં (flank)માં જમા થતી ચરબી, જાંઘ અને નિતંબ (બેઠક વિસ્તાર)માં જમા થતી ચરબી કરતાં વધુ નુકસાનકારક ગણવામાં આવે છે.

પર્યુદરી મેદસ્વિતા: આ સ્થિતિ ત્યારે સૂચવાય છે જ્યારે ડુંટી આગળનો પરિઘ (કટિ – Waist) અને કેડના સાંધા આગળના પરિઘ (કટિસંધિ – Hip) વચ્ચેનો ગુણોત્તર પુરુષોમાં ૧ થી વધુ અને સ્ત્રીઓમાં ૦.૮૫થી વધુ હોય.

પેટની અંદરના અવયવોની આસપાસ જમા થયેલી ચરબી પણ પેટની દીવાલની ચરબી કરતાં વધુ હાનિકારક હોય છે. આ પ્રકારની મેદસ્વિતા ધરાવતા દર્દીઓમાં મધુપ્રમેહ (ડાયાબિટીસ), લકવો, હૃદયરોગ અને વહેલા મૃત્યુનું જોખમ ઘણું વધારે હોય છે.

Share This Article