ભાવનગર શહેરમાં સોમવારે મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી એકતા સોસાયટીમાં આવેલી હાઉસિંગ બોર્ડની ત્રણ માળની એક જર્જરિત ઇમારત ધડાકાભેર તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મોડી રાત્રે રેસ્ક્યૂ ઓપરેશન
પ્રાથમિક માહિતી મુજબ, મોડી રાત્રે આ ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું હતું, જેના કારણે ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ કાટમાળમાંથી દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવમાં કરણભાઈ સવજીભાઈ બારૈયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છવાઈ છે.
કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
ભાવનગરના કલેક્ટર ડો. મનીષકુમાર બંસલે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, હાઉસિંગ બોર્ડની આ ઇમારત ધરાશાયી થઈ છે, જેમાં ત્રણ લોકો દટાયા હતા અને એકનું મૃત્યુ થયું છે.
કલેક્ટરએ આ બનાવ અંગે તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, આ મકાન કેટલા જૂના હતા અને રહેવાસીઓને તેમને ખાલી કરવા અંગે કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ, તે અંગેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.