રક્ષાબંધન પર ગુજરાતના વલસાડ શહેરમાં કંઈક એવું બન્યું, જે વાંચીને તમારી આંખો ભીની થઈ જશે. એકની એક બહેનનું નિધન થયું, પરંતું તેના હાથ ભાઈને રાખડી બાંધવા આવ્યા. આ કહાની જેટલી ભાવુક છે, તેટલી જ હૃદયસ્પર્શી છે.
ગુજરાતના વલસાડમાં એક સુંદર તીથલ બીચ રોડ છે. જ્યાં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી કરાયું હતું. વિશ્વના ઇતિહાસમાં સૌપ્રથમવાર આટલી નાની બાળકીના હાથનુ દાન હતું. રક્ષાબંધનની ઉજવણી કરવા અનમતા અહેમદ રિયાનાં સગા ભાઈ શિવમને રાખડી બાંધવા મુંબઈથી વલસાડ પરિવાર સાથે આવીને રાખડી બાંધી હતી. આ ક્ષણ એવી હતી કે હાજર તમામની આંખોમાં આંસુ આવી ગયા હતા. પોતાની બહેનને ગુમાવી દીધા બાદ તેના દાન કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા લાગણીના તાર અતૂટ રીતે જોડાઈ ગયા હતા. વલસાડની આર.જે.જે સ્કૂલમાં ધો-10માં અભ્યાસ કરતો રિયાનો ભાઈ શિવમ પોતાની વ્હાલસોયી નાની બહેનના હાથને વારંવાર સ્પર્શીરહ્યો હતો. અનમતા અહેમદના કપાયેલાં ખભા સુધીનાં હાથની જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા રિયાનાં હાથના સ્પર્શ માત્રથી ભાઈ શિવમના દિલમાં નાનકડી બહેન રિયા જાણે જીવતી થઈ ગઈ.
સ્વ. રિયાના માતાપિતા બોબી અને ત્રીષ્ણાએ ભાવુક થઈ જણાવ્યું હતું કે, આજે એવું લાગી રહ્યું છે કે, રિયા ફરી અમારા વચ્ચે આવી છે. તેની રાખડી, તેનો સ્પર્શ બધું જ જાણે પાછું આવી ગયું હોય તેવો અનુભવ થઇ રહયો છે. તેઓએ અનમતાના જમણા હાથને પોતાના હાથમાં લઈને કઈ કેટલી વાર વ્હાલ કર્યુ હતું.
અનમતા અહેમદે જણાવ્યું હતું કે રિયાના પરિવારનો આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી. ઓક્ટોબર 2022માં ઇલેક્ટ્રિક શોકના કારણે મારો જમણો હાથ ખભાના લેવલથી ગુમાવવો પડ્યો હતો અને મારૂ જીવન અંધકારમય થઈ ગયું હતું.