Thursday, Nov 6, 2025

સુરતમાં આતંક મચાવનારા યુવકનું નવસારીમાં એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી

2 Min Read

સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંકનો પર્યાય બનેલા માથાભારે ગુનેગાર સલમાન લસ્સીને આખરે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. નવસારીના ડાભેલ ગામમાં છુપાયેલા લસ્સીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેણે જીવલેણ હુમલો કર્યો હતો, જેના જવાબમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતાં તે ઘાયલ થયો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સલમાન લસ્સી વિરૂદ્ધ હત્યા, હત્યાની કોશિશ, ખંડણી અને મારામારી સહિતના 15 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને તે લાંબા સમયથી વોન્ટેડ હતો. તે ભેસ્તાન ભીંડી બજાર ખાતે થયેલી શકીલ નામના યુવકની હત્યાના કેસમાં પણ મુખ્ય આરોપી હતો.

ક્રાઇમ બ્રાંચના પીઆઇ કિરણ મોદી અને પીઆઇ પી. કે. સોઢાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરતના ભેસ્તાનમાં 21 ઓક્ટોબરના થયેલી હત્યા અને અન્ય 15થી 17 ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં છુંપાઈને રહે છે. આ જાણ બાદ ક્રાઈમ બ્રાન્ચની 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમ આજે (6 નવેમ્બર) સવારના 3 વાગ્યાએ ડાભેલ ગામમાં પહોંચી હતી. આ એક હાઈ-સ્પીડ, હાઈ-સ્ટેક ઓપરેશન હતું.

પોલીસ ટીમે સલમાન લસ્સીના છુપાવાના સ્થળને કોર્ડન કરી લીધું હતું. જ્યારે ટીમે તેને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે સલમાન લસ્સીએ ધરપકડથી બચવા માટે PI સોઢા પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ અચાનક હુમલાના જવાબમાં PI સોઢાએ પોતાના સ્વબચાવ માટે તાત્કાલિક ફાયરિંગ કર્યું હતું.

આ ફાયરિંગમાં ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી, જેના કારણે તેને પગમાં ફ્રેક્ચર થયું છે. ઈજાગ્રસ્ત સલમાન લસ્સીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Share This Article