સુપ્રીમ કોર્ટે સોમવારે (25 નવેમ્બર 2024) ના રોજ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદ” અને “સેક્યુલર” શબ્દોને સામેલ કરવાને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. આવતીકાલે 26 નવેમ્બરે બંધારણ દિવસ છે અને આજે આ અંગેનો ચુકાદો આપતા કોર્ટે આ શબ્દો દૂર કરવા ઇનકાર કરી દીધો છે.
ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન 1976માં બંધારણનો 42મો સુધારો દાખલ કરીને આમુખમાં “સમાજવાદ” અને “સેક્યુલર” શબ્દો ઉમેરી દેવામાં આવ્યા હતા. આ શબ્દો હટાવી દેવા જોઇએ કેમ કે તે મૂળ બંધારણનો ભાગ નહોતા તેવી દાદ માગતી જાહેર હિતની અરજીઓ કરવામાં આવી હતી જેને આજે સોમવારે મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ પીવી સંજય કુમારની બેન્ચ ફગાવી દીધી હતી.
ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે કહ્યું કે સંસદની સંશોધન શક્તિ પ્રસ્તાવના સુધી પણ ફેલાયેલી છે. પ્રસ્તાવના અપનાવવાની તારીખ પ્રસ્તાવનામાં સુધારો કરવાની સંસદની સત્તાને મર્યાદિત કરતી નથી. જેના આધારે અરજદારની દલીલ ફગાવી દેવામાં આવી હતી. CJIએ સુનાવણી દરમિયાન કહ્યું, “લગભગ આટલા વર્ષો થઈ ગયા, હવે આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે.
સુબ્રમણ્યમ સ્વામીએ તેમની અરજીમાં કહ્યું હતું કે, બંધારણ જે દિવસે અપનાવવામાં આવ્યું હતું તે દિવસે જે પ્રસ્તાવના હતી તેમાં પછીથી ફેરફાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે તેમની અરજીમાં દલીલ કરી હતી કે, તેમને સમાજવાદી અને સેક્યુલર શબ્દો સામે વાંધો નથી, પરંતુ એ શબ્દો જે રીતે સામેલ કરી દેવામાં આવ્યા હતા તેની સામે વાંધો છે.
આ પણ વાંચો :-