Saturday, Sep 13, 2025

ટિબીનો ખતરો વધી રહ્યો છે: ગુજરાતમાં ચોંકાવનારા આંકડા

2 Min Read

ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના દર્દીઓની સંખ્યા ચિંતાજનક ઝડપે વધી રહી છે.

વર્ષ 2024માં અત્યાર સુધી કુલ 1.37 લાખ કેસ નોંધાયા છે, જેમાંથી માત્ર છેલ્લા 9 મહિનામાં જ 87,397 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ટિબી સામેનો સંઘર્ષ હજી પણ ગંભીર પડકાર રૂપ છે. સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે, જ્યાં 12,827 દર્દીઓ મળી આવ્યા છે. જેમાં શહેરમાં 10,361 અને ગ્રામ્ય વિસ્તારોમાં 2,466 કેસ નોંધાયા છે.ભારતમાં ટિબીના સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં (4.76 લાખ) જોવા મળે છે, જ્યારે મહારાષ્ટ્ર (1.43 લાખ) અને બિહાર (1.38 લાખ) બાદ ગુજરાતનું સ્થાન ચોથું છે. ચિંતાની બાબત એ છે કે દરરોજ સરેરાશ 358 નવા કેસ નોંધાઈ રહ્યા છે, જે આરોગ્ય વ્યવસ્થા માટે ચેતવણીરૂપ છે.

હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે સમયસર નિદાન, સારવાર પૂર્ણ કરવા પર ભાર તથા પોષણયુક્ત આહાર દ્વારા જ ટિબી પર નિયંત્રણ મેળવી શકાય છે. સામાન્ય લક્ષણો જેમ કે સતત ખાંસી, તાવ, વજનમાં ઘટાડો અને શરીરમાં નબળાઈ હોય તો તરત જ તબીબી સલાહ લેવી જોઈએ.રાજ્ય સરકાર પણ “ટિબી મુક્ત ગુજરાત” અભિયાન હેઠળ સારવાર અને દવાઓ મફતમાં ઉપલબ્ધ કરાવી રહી છે, પરંતુ જાહેરજાગૃતિ અને વ્યક્તિગત સાવચેતી વધારવાની તાતી જરૂર છે.

ટિબી શું છે?
ટ્યુબરક્યુલોસિસ (ટીબી) એક ચેપજન્ય બીમારી છે, જે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જીવાણુથી થાય છે. આ મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે, પરંતુ હાડકાં, કિડની, મગજ અને ત્વચા પર પણ તેનો પ્રભાવ થઈ શકે છે.સરકારનો અભિગમ ભારત સરકારનો લક્ષ્ય છે કે 2025 સુધી દેશમાં ટિબીનો સંપૂર્ણ અંત લાવવો. આ માટે “નિ-ક્ષય મિત્રણ યોજના” હેઠળ ટિબીના દર્દીઓને દવા સાથે પોષણ સહાય ભથ્થું પણ આપવામાં આવે છે.

Share This Article