સુરત જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા મત વિસ્તારમાં સુરત, બારડોલી અને નવસારી લોકસભાની બેઠકો આવે છે. જેમાં ૨૫-નવસારી સંસદીય બેઠક હેઠળ આવતી લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી તથા ૨૩-બારડોલી સંસદીય બેઠક હેઠળ આવતી માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભા બેઠકો પર તા.૭મી મેના રોજ સવારે ૭.૦૦ વાગ્યાથી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી મતદાન થવાનું છે. આ યોજાનારી લોકસભા ચુંટણી દરમિયાન મતદારોને વધુમાં વધુ મતદાન કરી, લોકશાહીના મહાપર્વમાં જોડાવા જિલ્લા ચુંટણી અધિકારીએ અપીલ કરી છે
જિલ્લા ચુંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૪-સુરત સંસદીય મતવિસ્તારની બેઠક બિનહરિફ થઈ છે. જેથી લોકોમાં ભ્રામકતા ફેલાય છે કે, મતદાન થવાનું નથી. પરંતુ સુરતની સંસદીય મતવિસ્તારની ઓલપાડ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા, કરંજ, કતારગામ અને સુરત વેસ્ટની વિધાનસભા બેઠકો પર મતદાન થશે નહી. માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભા બારડોલી લોકસભા હેઠળ આવે છે. તો લિંબાયત, ઉધના, મજૂરા અને ચોર્યાસી વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે. આ તમામ વિધાનસભામાં મતદાન થશે.
જિલ્લા ચુંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ચુંટણીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. નવ વિધાનસભાઓ માટે ૨૮૮૨ મતદાન મથકોએ ઈવીએમ અને વીવીપેટ મશીનો તથા બીયુનો ૭૧૬ તથા વીવીપેટનો ૧૦૦૩નો રીઝર્વ મશીનોની ફાળવણી જે તે એ.આર.ઓ.ને કરી દેવામાં આવી છે. જયારે પ્રીસાઈડીંગ ઓફિસરો, આસી.પ્રિ.ઓફિસરો, પોલીંગ ઓફિસરો, પટાવાળા સહિત કુલ ૧૧૦ ટકા લેખે ૧૫,૨૫૧ ચુંટણી સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આચારસંહિતાની અમલવારી માટે પણ નિયત કરેલી એમ.સી.સી., એસ.એસ.ટી. સહિતની ટીમો કાર્યરત છે. જયારે ૧૧૪૫ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ માં સુરત જિલ્લામાં જયાં મતદાન થવાનું છે એવા નવ (૯) વિધાનસભા મત વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ મતદારોને મુશ્કેલી ન અનુભવાય તે માટેની તમામ વ્યવસ્થાઓ ઉભી કરાશે. મતદાન મથકો પર પાણી, પંખા, વ્હીલચેર, મંડપ, શેડ તથા અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર હોવાની વિગતો ચુંટણી અધિકારીએ આપી હતી. આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર શ્રી વિજય રબારી, અધિક જિલ્લા ચુંટણી અધિકારીશ્રી કે.જે.રાઠોડ તથા આર.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.