- પોતાના મતવિસ્તારના કામો કરાવીને ચૂંટાયેલો લોકપ્રતિનિધિ કોઇની ઉપર ઉપકાર કરતો નથી, પ્રજાની કમાણીમાંથી મળતા ભાડા, ભથ્થાનો આંકડો તપાસશે તો ખ્યાલ આવશે
-
લોકો ચામડી ચીરી નાંખતા કર-વેરા ભરે છે. બદલામાં પ્રાથમિક સુવિધાઓ મળે છે, ધારાસભ્ય કે કોર્પોરેટર પોતે કામ કરાવ્યાની ‘ડંફાસ’ મારતો હોય તો ભ્રમથી વિશેષ નથી
-
મહાપાલિકાનુ તંત્ર કામ નથી કરતુ તો તંત્રનો કાન આમળો, પક્ષના નેતૃત્વને ફરિયાદ કરો, બેઠકમાં ચર્ચા કરો, પરંતુ આંતરિક વિવાદનો ગંદવાડ શેરીઓમા શા માટે?
-
સુરતના તળ કોટ વિસ્તારમાંથી લોકો હિજરત શા માટે કરી રહ્યા છે. કારણ તપાસો અને ઉકેલ લાવો બાકી ‘અશાંતધારા’થી કોઇ અંધારામાં નથીપાછલા કેટલાક સમયથી સુરતની ભાજપ શાસિત મહાપાલિકામાં ખુદ ભાજપના જ સભ્યો વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છે. સામાન્ય સંજોગોમાં મહાપાલિકાની વહિવટી કામગીરી માટે પક્ષની બેઠકમાં આક્રમક ચર્ચા થાય એ માની શકાય પરંતુ આજકાલ સુરત શહેરના ધારાસભ્ય અરવિંદ રાણાએ બીજા કોઇ સામે નહીં પરંતુ પોતાના જ પક્ષના મેયર સામે બાંયો ચઢાવીને મહાપાલિકાની વહિવટલક્ષી કામગીરીને શેરીઓમાં ઘસડી ગયા છે. આવું કરીને કદાચ ધારાસભ્ય અરવિંદ રાણા પોતે કાર્યદક્ષ ધારાસભ્ય હોવાનું પુરવાર કરવા માંગતા હશે પરંતુ સામસામે પત્ર વહેવાર કરીને અને પ્રચાર માધ્યમોમાં જાહેર કરીને પોતાની અને પક્ષની આબરૂનું લીલામ કરી રહ્યા છે.
અરવિંદ રાણા તળ સુરતી છે અને મૂળ સુરત ગણાતા રાણાવાડ, કોટસફીલ રોડ, ભાગળ, નાનપુરા, બેગમપુરા, સગરામપુરા, ખટોદરા, સોનીફળીયા, રાજમાર્ગ સહિતના વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. તળ સુરતી હોવાના નાતે પોતાના મતવિસ્તારની ચિંતા કરે એ વ્યાજબી ગણી શકાય અને પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો થવા જ પણ જોઇએ પરંતુ આના માટે પોતાના જ પક્ષ શાસિત મહાપાલિકાના મેયર સામે ખુલ્લે આમ પત્રવ્યવહાર કરીને લોકોને વહાલા થવા પક્ષની આબરૂનું લીલામ કરવામાં આવે એ પક્ષની નેતાગીરીએ હરગીજ ચલાવી લેવું જોઇએ નહીં પરંતુ અરવિંદ રાણાએ શરૂ કરેલી જાહેર લડાઇને પક્ષનું શિર્ષનેતૃત્વ પણ રોકી શક્યું નથી.મતલબ બની શકે કે અરવિંદ રાણાને પક્ષના નેતૃત્વનું છુપું પીઠબળ હોઇ શકે અને ખરેખર આવું હોય તો આવનારા સમયમાં ભાજપના પતન માટે વિપક્ષની જરૂર નહીં રહે. આમ તો સુરતના ૧૪ ધારાસભ્યો પૈકી વરાછાના કુમાર કાનાણી, કતારગામના વિનુ મોરડીયા પણ ક્યારેક આક્રમક મુડમા જોવા મળે છે. પરંતુ આ બન્ને ધારાસભ્યોએ ક્યારેય પણ પક્ષના નેતૃત્વ સામે સીધો પડકાર કર્યો નથી. પડદા પાછળના ઇરાદા જગજાહેર હોવા છતાં પક્ષની આબરૂનું લીલામ થાય એવો ફજેતો કર્યો નથી. અરવિંદ રાણા એક સિનિયર ધારાસભ્ય છે. ભૂતકાળમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવવા ઉપરાંત પક્ષના વરિષ્ઠ નેતા ફકીર ચૌહાણના નેતૃત્વ હેઠળ કામ કરી ચૂક્યા છે. પરંતુ હજુ પણ ફૂટપાથની નેતાગીરીથી આગળ વધી શક્યા નથી. ‘અશાંતધારા’ને લઇને પણ તેમની સામે લોકો શંકાની નજર કરી રહ્યા છે. બની શકે કે અરવિંદ રાણા એવા ભ્રમમાં હશે કે તેઓ જે કરી રહ્યા છે, તેની કોઇને જાણ નથી.ખેર, અશાંતધારાને લઇને અલગ ચર્ચા કરી શકાય પરંતુ હાલમાં અરવિંદ રાણા જે કરી રહ્યા છે તે કદાચ લોકોના હિતને આગળ ધરીને કરી રહ્યા હશે પરંતુ પક્ષના હિતમાં જરાપણ નથી. આમ પણ સુરત શહેરનો મૂળભૂત જૂનો વિસ્તાર એટલે કે સેન્ટ્રલ ઝોનમાં હવે નવા વિકાસના કામો કરવાનો કોઇ જ અવકાશ નથી. માત્ર રોડ, રસ્તા, પાણી, ગટરની લાઇનો મેન્ટેન કરવામાં આવે તો પણ સેન્ટ્રલ ઝોન રાબેતા મુજબ ધબકતો રહેશે. એટલું ચોક્કસ કહી શકાય કે રોડ ભલે સાંકડા હોય પરંતુ સિમેન્ટ કોંક્રીટના એટલે સી.સી. રોડ બનાવવામાં આવે તો તેનું આયુષ્ય લાંબુ અને ટકાઉ બને પરંતુ તેના માટે જાહેરમાં હોબાળો મચાવવાની જરૂર નથી. એક ધારાસભ્ય તરીકે અરવિંદ રાણાને સરકારની ગ્રાંટ મળે છે પરંતુ આ ગ્રાંટની રકમ પણ આખરે પ્રજાના ટેક્સના નાણાં છે. મતલબ અરવિંદ રાણા સરકારની ગ્રાંટની રકમની પોતાની ખાનગી મૂડી હોવાંનુ કહેવા માંગતા હોય તો પણ અરવિંદ રાણા માટે આ વાત જરા પણ શોભાસ્પદ નથી.
શાસક કોઇપણ હોય આખરે એ ચૂંટાયેલા ટ્રસ્ટી છે, મતલબ લોકોએ વહિવટ કરવા માટે ચૂંટીને એક ટ્રસ્ટી તરીકે મોકલ્યા છે. એ ગ્રામ પંચાયત હોય કે પાલિકા હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય આખરે આ બધા જ લોકપ્રતિનિધિઓ છે અને બધાએ જ પ્રજા અને દેશ માટે કામ કરવાનું છે અને એટલે જ આજકાલ ‘સંવિધાન’ના મુદ્દે શાસક અને વિપક્ષમાં ધમાચકડી ચાલી રહી છે. અરવિંદ રાણા પોતીકા મતવિસ્તારના પ્રશ્નોને લઇને ચાલતા હોય તો કોઇ મોટો ઉપકાર કરતા નથી, આ તેમની નૈતિક અને કાયદાકીય પણ ફરજ છે. પરંતુ અરવિંદ રાણાએ એ ભૂલવું જોઇએ નહીં કે મહાપાલિકામા પણ પોતીકા ભાજપ પક્ષનુ શાસન છે. મતલબ મેયર સામે ઉડાડવામાં આવતો કીચડ પોતાની ઉપર પણ ઉડી રહ્યો છે.બધા જ ચૂંટાતા લોકોપ્રતિનિધિઓ માત્રને માત્ર લોકસેવા કરવા માટે ચૂંટાતા હોત તો પક્ષાપક્ષીની લડાઇ જ ન હોય. પરંતુ દુનિયા આખી જાણે છે કે રાજકીય પક્ષો અને સરકારમાં કેવા કેવા ‘ખેલ’ ચાલે છે. મતલબ અરવિંદ રાણા અને મેયર દક્ષેશ માવાણીએ પણ એક વાત સમજવી જોઇએ કે તમે જે કંઇ કરી રહ્યા છો એ લોકો ઉપર હરગીજ ઉપકાર કરતા નથી અને કાયદાની રૂએ મળેલી સત્તાનો દુરૂપયોગ કરતા હશો તો આજે નહીં તો કાલે જરૂર ‘બેનકાબ’ થઇ જશો અને ત્યારે લોકોને મોઢું બતાવવા લાયક નહીં રહો. ચૂંટાયેલા લોકસેવક તરીકે સરકારની એટલે પ્રજાની તિજોરીમાંથી પ્રજાની ચામડી ચીરાઇ જાય એવા ભાડાભથ્થા ચૂકવવામાં આવે છે. પ્રજાના પરસેવાના ટેક્સના નાણાંમાંથી લોકસેવકો એ.સી.ગાડીમાં ફરે છે. મતલબ લોકસેવા કરવાના બદલામાં પ્રજા મહેનતાણું ચૂકવે છે.
અને છતાં છાશવારે સપાટી ઉપર આવતા આર્થિક કૌભાંડોમાં પણ ક્યાંકને ક્યાંક ચૂંટાયેલા લોકસેવકની સંડોવણીની વાતો આવે છે ત્યારે પ્રજાને ચોક્કસ દુઃખ થતું હશે પરંતુ એક વખત મત આપી ચૂકેલા મતદાર માટે લાચારી સિવાય કંઇ જ બચતું નથી.
લોકસેવાના કામનો ઝંડો લઇને પોતીકા પક્ષના લોકો સામે મેદાનમા ઉભેલા અરવિંદ રાણાને સમયસર રોકવામાં નહીં આવે તો આવનારા દિવસો અન્ય ધારાસભ્ય કે કોર્પોરેટર પણ શેરીઓમાં જઇને કીચડ ઉડાડતા હશે.પોતે કામ કરાવ્યા હોવાના શેરીઓમાં પોસ્ટર લગાડવાથી ‘હીરો’ બની જવાંતુ નથી. લોકો બધું જ જાણતા હોય છે. થોડા દિવસ પહેલા એવી ચર્ચા ચાલી હતી કે જુના શહેરમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે. આ વાતમાં કેટલુ તથ્ય છે એ તપાસનો વિષય છે પરંતુ કોઇ ચોક્કસ કારણોસર લોકો સ્થળાંતર (હિજરત) કરી રહ્યા હોય તો માત્ર અરવિંદ રાણાએ નહીં ભાજપના સમગ્ર નેતૃત્વએ ચોક્કસ મનોમંથન કરવું જોઇએ અને કારણો જાણીને મજબૂરીથી થઇ રહેલું સ્થળાંતર રોકવું જોઇએ. બાકી ‘અશાંતધારા’ના નામથી ચાલી રહેલી પ્રવૃત્તિ તરફ પણ નજર કરવી જરૂરી હોવાનું જણાઇ રહ્યું છે.સુરત ભાજપના લોકપ્રતિનિધિઓએ સામે સામે શિંગડા ભેરવવાની શરૂ કરેલી લડાઇ રોકવામાં નહીં આવે તો આવતી કાલે ભાજપની આબરૂનું જ ધોવાણ થશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મૌન ધારણ કરી લેશો તો પક્ષના અસંતુષ્ટોને પણ વિવાદમાં કુદી પડવાનુ મેદાન મળી જશે.આ પણ વાંચો :-
સરકારી ગ્રાંટની રકમ ધારાસભ્યની ખાનગી પેઢીની નથી, અરવિંદ રાણા પોસ્ટર્સ લગાડીને શું સિધ્ધ કરવા માંગે છે?
