સુરતમાં શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ કાબૂમાં નથી આવી. અત્યાર સુધીમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે. જે વેપારીઓની દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી તેવા કેટલાક વેપારીઓ રડી પડ્યા હતા.
આગે 800થી વધુ દુકાનોને ઝપેટમાં લીધી હતી. જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનું વેપારીઓ કહી રહ્યા છે. કેટલાક વેપારીઓ આગની વાત કરતી વખતે રડી પડ્યા હતા. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ આગને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા ટર્ન ટેબલ લેડર મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
સુરતના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, ફાયરબ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા સતત પ્રયત્ન કરી રહી છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના રોકવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવી છે. કેટલા કરોડનું નુકસાન થયું તે આગ નિયંત્રણમાં આવ્યા બાદ જ ખબર પડશે. આસપાસના બજારોની દુકાનો પણ બંધ કરાવી દેવામાં આવી છે.
શિવ શક્તિ માર્કેટમાં સતત બીજા દિવસે લાગેલી આગ ચર્ચાનો વિષય બની ગઈ છે. કેટલાક વેપારીઓ પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવે છે તો કેટલાક માર્કેટના સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. કેટલાક એવી પણ ચર્ચા કરી રહ્યાં છે કે આગ આકસ્મિક રીતે લાગી છે કે પછી કોઈએ લગાવી છે? આવા અનેક તર્ક સાથે હવે આગ લાગવાના કારણ શોધવા સાથે જવાબદારો પણ શોધવા માટેની માંગણી થઈ રહી છે. શિવશક્તિ માર્કેટ પાસે ફાયર એનઓસી છે પણ આગ કઈ રીતે લાગી અને આટલી વિકરાળ કેવી રીતે બની તે તપાસનો વિષય બન્યો છે.
ફાયર ઓફિસરે કહ્યું કે, આખું બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી ગયું છે. બિલ્ડિંગની સ્ટ્રેન્થ નબળી પડી રહી છે. એક જગ્યાએ થોડો સ્લેબ નમી ગયો હોય તેમ લાગે છે. બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. બિલ્ડિંગનો કોઈ ભાગ વધારે પડતો નબળો પડે કે ધરાશાયી થાય તે પહેલાં આગને કાબૂમાં લેવી જરૂરી છે.