Thursday, Oct 30, 2025

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પુજારીનું નિધન

2 Min Read

અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પુજારી આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું ૯૦ વર્ષની વયે અવસાન થયું છે. આચાર્ય લક્ષ્મીકાંતે શનિવારે સવારે ૬:૪૫ કલાકે વારાણસીમાં અંતિમ શ્વાસ લીધા હતા. આચાર્ય લક્ષ્મીકાંતના પાર્થિવ દેહનો મણિકર્ણિકા ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

શનિવારે સવારે આચાર્ય લક્ષ્મીકાંતના નિધનના સમાચાર મળ્યા બાદ કાશી અને અયોધ્યાના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જાન્યુઆરી મહિનામાં, લક્ષ્મીકાંત દીક્ષિતે અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના માર્ગદર્શન અને મંત્રોચ્ચાર હેઠળ પૂજા કરવામાં આવી હતી.

સીએમ યોગી આદિત્યનાથે આચાર્ય લક્ષ્મીકાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે કાશીના વિદ્વાન અને શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારીના નિધનથી ખૂબ જ દુઃખી છું. આચાર્યજીને સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિમાં તેમના યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે.

સમગ્ર વારાણસીમાં આચાર્યને વેદોમાં ખૂબ જ જાણકાર માનવામાં આવતા હતા. લક્ષ્મીકાંત દીક્ષિતની ગણના યજુર્વેદના સારા વિદ્વાનોમાં થતી હતી. તેઓ હિન્દુ ધર્મમાં કોઈપણ પ્રકારની પૂજા પદ્ધતિ વિશે ખૂબ જ જાણકાર હતા. લક્ષ્મીકાંત દીક્ષિતે વેદ અને ધાર્મિક વિધિઓની દીક્ષા તેમના કાકા ગણેશ દીક્ષિત પાસેથી લીધી હતી.

આ પણ વાંચો :-

Share This Article