અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આરોપી ચિરાગ રાજપૂતના ઘરેથી પણ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા મોત મામલે નોંધાયેલી ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત તપાસ કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલનાં CEO અને આ કેસના સહ આરોપી ચિરાગ રાજપૂતનાં ઘેર પણ પોલીસ પહોંચી હતી. રિવેરા બ્લૂઝની બી-વિંગના ત્રીજા માળે આવેલા ચિરાગ રાજપૂતના ઘેર પોલીસે તપાસ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાઉન્ડર કાર્તિક પટેલના ઘરે તપાસ હાથ ધરી હતી. સિંધુ ભવન પાસે આવેલા અભીશ્રી રેસિડેન્સીમાં આવેલા નિવાસ સ્થાનમાં તપાસ દરમિયાન દસ્તાવેજી પુરાવા સહિત તમામ ડોક્યૂમેન્ટની તપાસ કરવામાં આવી હતી. કાર્તિક પટેલના ઘરેથી મોંઘી દારૂની બોટલો પણ મળી આવી હતી. ઉપરાંત, ઘરમાંથી જુગાર રમવાના કોઈન, ડબલ ડોર સાથે હોમ થિયેટર વાળી ખાસ સિસ્ટમ, વૈભવી કાર અને જનરેટર મળી આવ્યા હતા. કાર્તિક પટેલે ઘરમાં જ હોમ થિયેટરની સાથે બાર પણ ઊભું કર્યું છે. ઘરમાં CCTV માટે ખાસ સર્વર પણ ઊભું કરાયું છે. જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂની બોટલો પૈકીની માત્ર બે બોટલની કિંમત રૂ. 30 હજારથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી ડૉ. સંજય પટોલિયાના નિવાસસ્થાને પણ તપાસ કરી હતી. ALTIUS નાં C બ્લોકનાં 303 નંબરનાં ઘરમાં ટીમ દ્વારા તપાસ કરાઈ હતી અને હાજર વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચને આશંકા છે કે આરોપી ડોક્ટર ગુજરાતમાં જ છુપાયો છે. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ હોસ્પિટલનાં CEO ચિરાગ રાજપૂતનાં ઘરે પણ પહોંચી હતી અને તપાસ કરી હતી. દરમિયાન, ઘરમાંથી મોંઘીદાટ દારૂની અનેક બોટલ મળી આવી હતી. ઘરમાં જ મીની બાર હોય તે પ્રકારે દારૂની બોટલ ગોઠવેલી મળી હતી. હવે, આરોપી ચિરાગ રાજપૂત સામે પણ પ્રોહિબિશનનો કેસ પણ દાખલ કરાશે.