Thursday, Oct 23, 2025

માલીમાં આતંકવાદીઓએ ત્રણ ભારતીયોનું અપહરણ કર્યું, ભારત સરકાર એક્શનમાં

આતંકવાદીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશની બહાર પણ ભારતીયોને નિશાન બનાવી રહ્યા છે. આતંકવાદીઓએ કામની શોધમાં આફ્રિકન દેશ માલી ગયેલા 3 ભારતીયોનું અપહરણ કર્યું છે. ત્રણેય માલીમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરે છે. ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. અપહરણની ઘટના ત્યારે બની જ્યારે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ પશ્ચિમ માલીના કાયેસ ક્ષેત્રમાં સ્થિત ડાયમંડ સિમેન્ટ ફેક્ટરી પર એક સાથે હુમલો કર્યો. સ્થાનિક અહેવાલો અનુસાર, બંદૂકધારીઓએ ફેક્ટરી પર હુમલો કર્યો અને ત્યાં કામ કરતા કામદારોને બંધક બનાવ્યા.

માલીમાં આતંકી હુમલો
1લી જુલાઈના રોજ માલીના કાયેસ વિસ્તારમાં આવેલી ડાયમંડ સિમેન્ટ ફેક્ટરી પર સશસ્ત્ર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ત્યાં કામ કરતા ત્રણ ભારતીય નાગરિકોને અજ્ઞાત હુમલાખોરોએ અપહરણ કર્યું. આ ઘટનાની જવાબદારી અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન ‘જમાત નુસરત અલ-ઇસ્લામ વલ મુસ્લિમીન’ (JNIM)એ લીધી છે, આ સંગઠને માલીમાં અગાઉ પણ ઘતક હુમલા કર્યા છે.

ભારત સરકારની પ્રતિક્રિયા
ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ‘અત્યંત નિંદનીય’ ગણાવીને માલી સરકારને અપહૃત નાગરિકોની સુરક્ષિત મુક્તિ માટે તમામ પગલાં લેવા જણાવ્યું છે. માલીની રાજધાની બમાકોમાં આવેલું ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ, કાયદા અમલીકરણ એજન્સીઓ અને ફેક્ટરીના સંચાલકો સાથે સતત સંપર્કમાં છે. અપહૃત નાગરિકોના પરિવારોને પણ દરેક અપડેટથી વાકેફ રાખવામાં આવી રહ્યા છે.

Share This Article