ભારત-પાકિસ્તાન તણાવ અને સિંધુ જળ સંધિ અંગે પાકિસ્તાન દ્વારા કથિત પાણી છોડવાની વિનંતીના મુદ્દા વચ્ચે, ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગુરુવારે (૧૫ મે) એક અત્યંત સ્પષ્ટ અને મક્કમ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતના વલણને સ્પષ્ટ કરતા જણાવ્યું કે, સિંધુ જળ સંધિ હાલ સ્થગિત રહેશે અને પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદ સાથેના તેના સંબંધો સંપૂર્ણપણે સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમાં કોઈ ફેરફાર થશે નહીં.
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી અને સિંધુ જળ સંધિ અટકાવવા સહિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત છે અને જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય રીતે સરહદ પાર આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી તે સ્થગિત રહેશે. તેમણે કહ્યું, “કાશ્મીર પર ચર્ચા કરવા માટે ફક્ત એક જ વસ્તુ બાકી છે, તે છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે કબજે કરાયેલ ભારતીય પ્રદેશ ખાલી કરવો, અમે આ ચર્ચા માટે તૈયાર છીએ.
વધુમાં વિદેશમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. તેમણે કહ્યું કે આ વર્ષોથી રાષ્ટ્રીય સર્વસંમતિ રહી છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. પીએમ મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ પર જ થશે. પાકિસ્તાન પાસે એવા આતંકવાદીઓની યાદી છે. જેમને સોંપવાની જરૂર છે અને તેમણે આતંકવાદી માળખાને બંધ કરવા પડશે. તેઓ જાણે છે કે શું કરવું. અમે તેમની સાથે આતંકવાદ અંગે ચર્ચા કરવા તૈયાર છીએ.