જમ્મુ-કાશ્મીરમાં સતત ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. રિયાસી જિલ્લાના કટરા નજીક વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર મંગળવારે બપોરે ભયાનક ભૂસ્ખલન થતાં 33થી વધુ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના અધકવારી નજીક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે બની હતી, જે ત્રિકુટા ટેકરી પર સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિર તરફ જતા 12 કિમી લાંબા માર્ગનો મધ્ય ભાગ છે. ભૂસ્ખલન બાદ યાત્રા માર્ગ કાટમાળમાં ફેરવાઈ ગયો છે અને ઘણા શ્રદ્ધાળુઓ હજી પણ ફસાયેલા હોવાની આશંકા છે.
હાલમાં NDRF અને SDRFની ટીમો સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચલાવી રહી છે. ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે – જમ્મુમાં અનેક પુલ તૂટી પડ્યા છે, વીજળીના તાર તૂટી ગયા છે અને મોબાઇલ ટાવરોને પણ નુકસાન પહોંચ્યું છે. માત્ર છ કલાકમાં 22 સેમી વરસાદ પડતાં જીવન વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. મધરાત્રિ પછી વરસાદ ઓછો થવાથી થોડું રાહત અનુભવી છે, પરંતુ હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે.