મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદથી કોંગ્રેસના ગઠબંધનમાં તિરાડો પડી રહી છે. એકબાજુ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી વચ્ચે બેઠક ફાળવણી મુદ્દે વિવાદ સર્જાયો છે. તો બીજી બાજુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબુ આઝમીએ પણ MVAની બેઠકમાં આમંત્રણ ન મળવા બદલ કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ આજથી પ્રચાર માટે પોતે જ મેદાનમાં ઉતર્યા છે. ગઠબંધનમાં બેઠકો મુદ્દે ખેંચતાણ વચ્ચે અખિલેખે માલેગાંવ અને ધુલેમાં કોંગ્રેસના સાથ વિના જ રેલીઓ યોજી છે. સપાનું આ વલણ તે કોંગ્રેસથી નારાજ હોવાનો સંકેત આપે છે.
લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી હતી. તે સમયે I.N.D.I.A. ગઠબંધનમાં કોંગ્રેસ અને સપા વચ્ચે અંતિમ સમય સુધી બેઠક ફાળવણી મુદ્દે ચર્ચાઓ ચાલતી રહી અને અંતે કોંગ્રેસે સપાના વર્ચસ્વ પર સવાલ ઉઠાવતાં વિવાદ સર્જાયો હતો. સપાએ આ ચૂંટણીમાં 12 જેટલી બેઠકો માગી હતી.
હવે આવી જ સ્થિતિ મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. સપા એક ડઝન બેઠકો પર દાવો કરી રહી છે. સપાએ હરિયાણાની ચૂંટણીમાં પણ ગઠબંધનની માંગ કરી હતી, પરંતુ ત્યાં પાર્ટી વાટાઘાટોની કોઈ અસર થઈ ન હતી. હરિયાણામાં હારથી ઍલર્ટ સપા મધ્યપ્રદેશનું મોડલ અપનાવી રહી છે અને સીટ વહેંચણી પર વાતચીતની સાથે ચૂંટણીની તૈયારીઓને ઝડપી બનાવવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. સંકેતો સ્પષ્ટ છે કે સપા જો ગઠબંધન શક્ય ન બને તો હરિયાણાની જેમ ચૂંટણી મેદાન છોડવા માગતી નથી.
સપાની સક્રિયતા કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCP (શરદ પવાર) માટે સ્પષ્ટ સંદેશ છે કે ગઠબંધન થાય કે ન થાય, પક્ષ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. મહારાષ્ટ્ર સપા પ્રમુખ અબુ આઝમીએ બેઠકોના નામની ગણતરી કરતી વખતે કહ્યું હતું કે, અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને જો અમને ગઠબંધનમાં બેઠકો નહીં મળે તો અમે અખિલેશ યાદવ સાથે ચર્ચા કરીને એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર છીએ. જો સપા એકલા ચૂંટણી લડે અને મુસ્લિમ મતો વિભાજિત થાય તો તેના માટે MVA જવાબદાર રહેશે.
આ પણ વાંચો :-