સુરતના ઐતિહાસિક સચિન પેલેસના ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. અદાલતે સચિનના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરતા નિર્દેશ આપ્યો છે કે પેલેસના બાંધકામ સામે હાલ કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી અથવા ડિમોલિશન કરવામાં ન આવે. આ આદેશથી સુરતના આ ઐતિહાસિક વારસાને હાલ પૂરતી રાહત મળી છે.
આ કેસની વિગતો મુજબ, સચિનના પૂર્વ શાસક પરિવારના સભ્યો દ્વારા હાઈકોર્ટમાં ધા નાખવામાં આવી હતી. રાજવી પરિવાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ જસ્ટિસ મૌના ભટ્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ જમીનનો અમુક હિસ્સો સમર્પણ કરવા તૈયાર છે.
જેથી પેલેસના મુખ્ય બાંધકામને બચાવી શકાય. અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ જે જમીન સરેન્ડર કરવા માંગે છે તે પેલેસની ઉપરના ભાગની ખુલ્લી જગ્યા છે. જો સત્તાધિકારીઓ નકશામાં સામાન્ય ફેરફાર કરીને આ વૈકલ્પિક જમીન સ્વીકારે, તો પેલેસના ઐતિહાસિક બાંધકામને તોડવાની જરૂર રહેશે નહીં.
બીજી તરફ, સુરત મહાનગરપાલિકાના વકીલે કોર્ટને જાણ કરી હતી કે સત્તાધિકારીઓએ સંબંધિત વિસ્તારનો કબજો મેળવી લીધો છે અને અરજદારો દ્વારા જમીન સમર્પણ કર્યા બાદ જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, અરજદારોની મુખ્ય માંગણી એ છે કે ડિમોલિશન લાઇનને થોડી ઉપરની તરફ ખસેડવામાં આવે જેથી કરીને રહેણાંક મહેલ સુરક્ષિત રહી શકે.
હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે અરજદારો જમીન આપવા માટે તૈયાર છે, માત્ર પેલેસના બાંધકામને બચાવવા માટે જમીનના માપણીમાં થોડો ફેરફાર કરવાની વિનંતી કરી રહ્યા છે.
આ પરિસિ્થતિને ધ્યાને રાખીને અદાલતે સુરત મહાનગરપાલિકાને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી સુધી પેલેસના બાંધકામ પર સ્ટે આપ્યો છે. આ કેસની હવે પછીની સુનાવણીમાં પેલેસના અસ્તિત્વ અને જમીન સંપાદનના મુદ્દે વધુ સ્પષ્ટતા થશે.