સુરતની નામાંકિત સુરભી ડેરીના પનીરના નમૂના ફેલ થતાં ડેરી સંચાલક વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી લેવામાં આવેલી પનીરના નમૂનાઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં સબ-સ્ટાન્ડર્ડ અને નકલી હોવાનું બહાર આવતા સમગ્ર ડેરી વ્યવસાયમાં હલચલ મચી ગઈ છે. જમણ માટે વખણાતા સુરતમાં હવે લોકો ભાર ખાતા ડરી રહ્યા છે.
754 કિલો પનીર સીઝ કરાયું
SOG પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળીને સુરભી ડેરીના ગોડાઉનમાં રેડ પાડવામાં આવી હતી. જે દરમિયાન લગભગ 700 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો હતો. ત્યારબાદ અન્ય સ્થળો પરથી મળીને કુલ 754 કિલો પનીર જપ્ત કરાયું હતું. આ પનીરને હોટલ, રેસ્ટોરન્ટ અને વિવિધ લારીઓમાં સસ્તા ભાવે સપ્લાય કરવામાં આવતું હતું, જે લોકોના આરોગ્ય સાથે મોટા પ્રમાણમાં છેડછાડ હતી. SOG એ લેબોરેટરી રિપોર્ટમાં પનીર સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સાબિત થતાં ખટોદરા પોલીસ મથકમાં ડેરી સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આરોગ્ય સાથે ચેડાં, ભેળસેળયુક્ત અને નકલી પદાર્થ વેચાણ, તેમજ છેતરપીંડીના ગુનાઓ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
પોલીસે કાર્યવાહી કરતાં ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે. જ્યારે ડેરીના અન્ય માલિક કૌશિક પટેલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, તેની શોધખોળ ચાલુ છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, સુરભી ડેરી દ્વારા દરરોજ લગભગ એક હજાર કિલો જેટલું પનીર બજારમાં પુરું પાડવામાં આવતું હતું. આમાંનો મોટો હિસ્સો નીચી ગુણવત્તાવાળું અથવા નકલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કારણે અનેક લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની શક્યતા ઊભી થઈ છે. સુરતમાં નકલી ખાદ્ય સામગ્રીઓ ઝડપવાના બનાવો ઝડપથી સામે આવી રહ્યા છે. જે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ગંભીર મુદ્દો છે.