સુરતની દસ વર્ષની નાવ્યા વાયેડાના મતદાન જાગૃત્તિ માટેના ગીતે ધૂમ મચાવી

Share this story

મતદારો જાગૃત થઇને વધુને વધુ મતદાન કરે એ માટે ચૂંટણી પંચ સતત પ્રયાસ કરતું રહે છે. પહેલા બે તબક્કામાં મતદાન ઓછું થયા બાદ પણ બાકીને પાંચ તબક્કામાં વધુ મતદાન થાય એ માટે તમામ ગામોમાં ચૂંટણી પંચ મતદારોની જાગૃત્તિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે. આ પ્રયાસોમાં સુરતની ૧૦ વર્ષની નાવ્યા વાયેડાનું એક ગીત ધૂમ મચાવી રહ્યું છે.

હવે મારે મોટા થવું છે, મારે મત આપવા જવું…. એ ગીતમાં નાવ્યા વાયેડા મતદાનનું મહત્વ સમજાવી પોતે પણ ૧૮ વર્ષની થાય ત્યારે મત આપવા જશે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી રહી છે. લોકશાહીમાં મતદાન કરવું એ પવિત્ર ફરજ છે. ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી હોવા છતાં હજુ લોકો આ પવિત્ર ફરજ બજાવવામાં ઉદાસીન રહેતા હોય છે. ચૂંટણી પંચ તો ઇચ્છે છે કે સો ટકા મતદાન થવું જોઇએ. આ સંજોગોમાં બીજા અનેક લોકો પણ મતદારોની જાગૃત્તિ માટે યોગદાન આપતા રહે છે.

લોકતંત્રના ચૂંટણી પર્વને વધુ ઉજ્જવળ બનાવવા માટે ફિલ્મ અને તખ્તાના જાણીતા અભિનેતા મેહૂલ બૂચે એક ગીત લખ્યું હતું. એ ગીત માટે નાવ્યાની પસંદગી થઇ હતી. નાવ્યા પણ ઉગતી કલાકાર છે. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કુલમાં અભ્યાસ કરતી નાવ્યા ધોરણ ૬માં અભ્યાસ કરે છે. અભ્યાસ ઉપરાંત તેની રૂચિ કંઠ્ય સંગીતમાં છે અને તેથી જ તે અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયમાં વિશારદના બીજાવર્ષમાં ગાવાની તાલીમ લઇ રહી છે. નાવ્યાની મમ્મી ધારા વાયેડાએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં નાવ્યામાં સંગીત પ્રતિની રૂચિ કેળવાઇ હતી અને અમે તેને પ્રોત્સાહન આપીને કંઠ્ય સંગીતના ક્ષેત્રે આગળ વધી શકે એ માટે તેને તાલીમ માટેની સુવિધા મળે એ માટે મેહૂલ બૂચના ગીતનો કંઠ આપવા માટે ભાર્ગવ ઠાકરની શિષ્યા બાળ ગાયક નાવ્યાની પસંદગી થઇ તો, એ ગીતનું સંગીત જાણીતા સંગીતકાર દર્શન ઝવેરીએ આપ્યું છે. ગીતનું સંપાદન હર્શલ માંકડ અને કરણ ઠક્કરે કર્યું છે. અભિનેતા હર્શલ માંકડની મદદથી આ ગીત વધુને વધુ લોકો સુધી પહોંચે એ માટે વીડિયો બનાવ્યો છે, જે હવે ખૂબ વાઇરલ થઇ રહ્યું છે.

દર્શન ઝવેરીએ એક મીડિયાને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ ગીતનું સંગીત એક લોકપ્રિય ગુજરાતી ગીત ઉપર આધારિત છે. આજના આધુનિક જમાનામાં લોકોને પસંદ પડે એ રીતે આધુનિક સંગીત ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરાયો છે.

આ પણ વાંચો :-