સુરતના યુવાનો શિરડી (મહારાષ્ટ્ર)માં સાંઈબાબાનાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે નાસિક નજીક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ યુવાનોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચાર યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નાસિકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બેની હાલત અત્યંત ગંભીર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરતના સાત યુવાનો શિરડીના દર્શન માટે ગયા હતા. દર્શન કરીને પરત વતન તરફ નાસિક માર્ગે ફરી રહ્યા હતા ત્યારે યેવલા તાલુકાના એરંડગાંવ રાયતે શિવર વિસ્તારમાં તેમનાં ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો. ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં પલટી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો.
સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યા હતા. બે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું સારવારમાં લઈ જતી વખતે રસ્તામાં મોત થયું.