સુરત: સોશિયલ મીડિયા પર રીલ બનાવવાના શોખમાં રેલવેના નિયમોનું ઉલ્લંઘન કરનાર 25 વર્ષીય કન્ટેન્ટ ક્રિએટર સામીઉલ્લાહ શેખની ધરપકડ કરવામાં આવી છે. સુરત રેલવે સ્ટેશન પર ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE) બની મુસાફરોની ટિકિટ ચેક કરતો વીડિયો બનાવવાના મામલે સરકારી રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, લિંબાયતના રહેવાસી સામીઉલ્લાહ શેખે ગત રવિવારે કોઈપણ અધિકૃત પરવાનગી વિના રેલવે સ્ટેશનમાં પ્રવેશ કર્યો હતો. TTEના વેશમાં તેણે પ્લેટફોર્મ નંબર-2 પર મુસાફરોની ટિકિટ ચેક કરતો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ મામલે મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ સિક્યોરિટી કંટ્રોલ રૂમ (DSCR)ને X મારફતે ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે રેલવે અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી અને લિંબાયત-ઉધના વિસ્તારમાંથી સામીઉલ્લાહ શેખને ઝડપી પાડ્યો હતો.


પૂછપરછ દરમિયાન તેણે મનોરંજન માટે વીડિયો બનાવ્યો હોવાનું અને તેને ઇન્સ્ટાગ્રામ તથા યુટ્યુબ પર અપલોડ કર્યો હોવાનું કથિત રીતે કબૂલ્યું હતું. વીડિયોમાં રેલવે અધિકારી હોવાનો ઢોંગ ન કરવાની ચેતવણી આપતી ડિસ્ક્લેમર નોંધ હોવા છતાં, તેમાં મુસાફરો સાથે નાણાંની લેવડદેવડ કરતો પણ જોવા મળ્યો હતો.
રેલવે પોલીસ દ્વારા રેલવે પરિસરમાં અનધિકૃત પ્રવેશ, TTE હોવાનો ઢોંગ કરવા અને અવ્યવસ્થા ઊભી કરવા સહિતના આરોપો હેઠળ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર માત્ર વ્યૂઝ અને લાઇક્સ મેળવવા માટે રેલવે જેવી સંવેદનશીલ જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન કરવાના જોખમ અંગે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.








