Wednesday, Nov 5, 2025

સુરત પોલીસ એક્શનમાં, અસામાજિક તત્વોના ત્રણ ગેરકાયદે મકાનનો ભુક્કો બોલાવ્યો

2 Min Read

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર હથોડા ઝીંકીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી રાહુના ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. રાહુલ દીપડે સૂર્યા મરાઠી મર્ડર કેસ સહિત મારામારી અને હત્યા 22 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે 100 કલાકની અંદર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાન અભિયાન અંતગર્ત 22 જેટલા શખ્સોને બોલાવી પૂછપરછ કરી હતી. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ કડ કાર્યવાહી કરવામાં આવશે.

100 કલાકના આ અભિયાન હેઠળ 22 શખ્સને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને ‘કાન પકડીને’ બેસી જવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા આ શખ્સોની વારંવાર પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વિશેષ તપાસ દરમિયાન 1300 જેટલા ગુનેગારોને યાદી બનાવી છે. તેમાં 300 ગંભીર ગુનાઓમાં સામેલ છે.

રાજ્યમાં અસામાજિક ગુંડા તત્ત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્ત્વોની યાદીમાં કેવા તત્ત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા, ખંડણી ઉઘરાવનારા, ધાક-ધમકી આપનારા, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન-જુગારનો ધંધો કરનારા, ખનીજ ચોરી જેવા ગુનામાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો કરીને જનતામાં ભય ફેલાવનારાનો આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ આદેશ મળતાની સાથે જ લિસ્ટ બન્યા અંગે ડીસીપી ભાવેશ રોઝીયાએ કહ્યું કે, અસામાજિક તત્ત્વો, બોડી ઑફેન્સ, ઓર્ગેનાઈઝ ક્રાઈમ અને પ્રોપર્ટી ઑફેન્સમાં સંડોવાયેલા ગુનેગારોની યાદી તૈયાર કરવા અને તાત્કાલિક પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ટાર્ગેટ મુજબ વિશેષ તપાસ શરૂ કરી છે, જેમાં 1300 ગુનેગારોને ઓળખી લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Share This Article