સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકાના આપઘાત કેસમાં ચાલી રહેલી કાનૂની કાર્યવાહીમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસના આરોપી કિશોરની જામીન અરજી સામે ગુરુવારે કોર્ટમાં જોરદાર દલીલો કરવામાં આવી હતી. મૂળ ફરિયાદ પક્ષના વકીલ પિયુષ માંગુકિયાએ કોર્ટમાં જણાવ્યું કે કિશોરે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે તે ગર્ભવતી પણ બની હતી. તેમણે દલીલ કરી કે જો કિશોરને જામીન આપવામાં આવશે, તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે, જેથી તેની જામીન અરજી નામંજૂર કરવી જોઈએ.
3000 પાનાના FSL રિપોર્ટમાં ગંભીર ખુલાસા
આ કેસમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા 3000 પાનાના FSL રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં પીડિતા અને આરોપી કિશોર વચ્ચે થયેલી જી-મેઇલ ચેટિંગની વિગતો પણ સામેલ છે. આ ચેટિંગમાં શારીરિક સંબંધો અને ગર્ભપાત અંગેની વાતોનો ઉલ્લેખ છે. આ પુરાવાના આધારે ફરિયાદ પક્ષે માંગ કરી છે કે કિશોર સામે બળાત્કાર અને ગર્ભપાત કરાવવા જેવી કલમોનો ઉમેરો કરવામાં આવે. હવે આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ યોજાશે, જેમાં બચાવ પક્ષના વકીલ કલ્પેશ દેસાઈ પોતાની દલીલો રજૂ કરશે.
ચેટિંગમાં શું શું નીકળ્યું
પોલીસે શિક્ષિકાનો મોબાઈલ એફએસએલમાં મોકલ્યો હતો. સિંગણપોર પોલીસે FSLએ આપેલા રિપોર્ટનું એનાલિસિસ કર્યું હતું. આ રિપોર્ટના એનાલિસિસ બાદ ઘણી અન્ય બાબતો પણ બહાર આવી છે. જેમાં સગીર અને શિક્ષિકા વચ્ચે જી-મેલ મારફત બંને વચ્ચે જે ચેટિંગ થઈ છે તેનો રિપોર્ટ રજૂ કરાયો છે. પીડિતા સાથે શારીરિક સંબંધ અને ગર્ભપાત અંગેની ચેટિંગ પણ હતી. FSL રિપોર્ટમાં મૃતક દ્વારા આરોપી સગીરને કરવામાં આવેલા મેલનો પણ ઉલ્લેખ છે. મોટા પ્રમાણમાં 2024માં મૃતક દ્વારા આરોપી સગીરને મેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શરીર સંબંધ બાંધ્યાનો અને બે વાર ગર્ભપાત કરાવાની સાથે મૃતક પાટીદાર શિક્ષિકાને નશીલો પદાર્થ પણ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.
મેઈલમાં એકબીજા માટે ઘણું બધુ લખ્યું
મૃતકે સગીર આરોપીને 14 નવેમ્બર 2020એ સાંજે છ વાગ્યા આસપાસ એક મેલ કર્યો છે. જેમાં મૃતકે સગીર આરોપીને જણાવ્યું છે કે એક વાત તો ભૂલી જ ગઈ કે જે બે વાર પાપ કર્યું છે ને એ બંનેને નડશે, હું તો જઈશ પણ તમને એ પણ નડશે. બીજા એક મેલમાં જણાવ્યું છે કે, પછી યાદ છે ઓલા દિવસ ફાર્મમાં ગયા ને બહુ મોટો ઝઘડો થઈ ગયો. તમને થોડોક મારા પર ગુસ્સો આવી ગયો અને તમે મારું ગળું દબાવી દીધું હતું. અન્ય એક મેલમાં લખ્યું છે કે ખબર છે તમે પરાણે સુટ્ટો મરાવતા હતા.
સુરતના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય નેનુ રણજીતભાઈ વાવડીયા નામની પાટીદાર યુવતીએ 13 જુલાઈના રોજ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વાવડીયા પરિવારની એકની એક દીકરીના અકાળે અવસાનથી પરિવાર શોકમગ્ન બન્યો છે. આ મામલે સિંગણપોર પોલીસે યુવતીને હેરાન કરનારા પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નેનુના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની દીકરી છેલ્લા છ મહિનાથી એક યુવક દ્વારા હેરાન થઈ રહી હતી. તેમણે આ બાબતે યુવકના પિતાને પણ જાણ કરી હતી. છેલ્લા બે દિવસથી નેનુ ખૂબ જ ડિપ્રેશનમાં હતી. જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે.આ ઘટના બાદ સિંગણપોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી.