સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલી માર્તન્ડ હિલ્સ એપાર્ટમેન્ટમાં એક અત્યંત કરુણ અને રહસ્યમય ઘટના સામે આવી છે. માતા અને તેમના પુત્રનું 13મા માળેથી નીચે પટકાતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં શોક અને આઘાતનો માહોલ છવાયો હતો.
શું છે મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહેસાણાના વતની અને લૂમ્સનું કારખાનું ચલાવતા વિશ્લેષકુમાર પટેલ તેમના પરિવાર સાથે માર્તન્ડ હિલ્સ એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે રહે છે. પરિવારમાં તેમની 30 વર્ષીય પત્ની પૂજા અને બે વર્ષનો પુત્ર ક્રિશિવ હતા.બુધવારે સાંજે, પૂજાબેન તેમના પુત્ર ક્રિશિવને લઈને કોમ્પ્લેક્સના ‘સી’ વિંગમાં 13મા માળે બ્લાઉઝ સીવડાવવા ગયા હતા. આ પછી, બંને રહસ્યમય સંજોગોમાં બિલ્ડિંગની નીચે પટકાયા હતા. આ ઘટના બિલ્ડિંગમાં ચાલી રહેલા ગણેશોત્સવના મંડપથી લગભગ 50 મીટર દૂર બની હતી. જોરદાર અવાજ આવતા રહેવાસીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
માતા-પુત્રને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં જોઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગણેશોત્સવના ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે આ ઘટનાથી અચાનક શોકની લાગણી ફેલાઈ ગઈ હતી
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ અકસ્માત હતો કે માતાએ પુત્ર સાથે આત્મહત્યા કરી તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી.