સુરત મહાનગર પાલિકા (SMC) એ સીવેજ ટ્રીટમેન્ટ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શહેરમાં ચલાવવામાં આવતાં 20 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STPs) માંથી 19 પ્લાન્ટ્સને કેન્દ્ર સરકારની સ્વચ્છ જલ ક્રેડિટ પહેલ હેઠળ ફાઇવ સ્ટાર રેટિંગ આપવામાં આવી છે. આ ઊંચી રેટિંગના આધારે, સુરત મહાનગર પાલિકાને રાજ્યમાં સૌથી વધુ ₹104.75 કરોડનું અનુદાન મળશે. આ અનુદાન જલ હી અમૃત યોજના હેઠળ આપવામાં આવશે.
સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત એક અન્ય એસટીપી ને ચાર સ્ટાર રેટિંગ આપવામાં આવી છે, કારણ કે તે તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું અને નિરીક્ષણ સમયે સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત નહોતું. હાલમાં, સુરત મહાનગર પાલિકા પોતાના 20 એસટીપી નેટવર્ક મારફત દરરોજ અંદાજે 1,225 મિલિયન લિટર (MLD) ગંદા પાણીનું શુદ્ધિકરણ કરે છે.
સીવેજ ઉપયોગમાં નવાચાર માટે ભારતમાં પ્રથમ સ્થાન
સુરત મહાનગર પાલિકા (SMC) એ સીવેજ પુનઃઉપયોગ અને જળ સંરક્ષણ ક્ષેત્રે પોતાના નવીન પ્રયાસો માટે ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને, અંજના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ તેના અસરકારક પ્રદર્શનને કારણે દેશભરમાં એક મોડેલ તરીકે ઓળખાયું છે. આ પ્લાન્ટમાં રેટ્રોફિટિંગ ટેકનિક નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે કાર્યક્ષમતા નોંધપાત્ર રીતે વધી છે. હવે, તેને દેશના જુના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ માટે આદર્શ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.
જલ હી અમૃત યોજના અંતર્ગત દેશભરમાં ચલાવવામાં આવતાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ યોજના હેઠળ એવા એસટીપી ને માન્યતા અને અનુદાન આપવામાં આવે છે, જે ઉચ્ચ સ્તરીય શુદ્ધિકરણ માપદંડોનું પાલન કરે છે અને પર્યાવરણની સ્થિરતામાં મહત્વનો ફાળો આપે છે.
સુરત મહાનગર પાલિકા (SMC) એ સીવેજ ટ્રીટમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવી, તૃતીયક-ઉપચારિત પાણી ઉદ્યોગોને સપ્લાય કરી, તેમજ વિશાળ સ્તરે પાણીના પુનઃઉપયોગને પ્રોત્સાહન આપી આસિયા ના અગ્રણી શહેર તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે. આ સિદ્ધિને કારણે સુરત, માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં જળ સંચાલન માટે એક મોડેલ શહેર બન્યું છે.