વિશ્વભરમાં કૃષ્ણભક્તિનો દીપ પ્રગટાવનાર જગતગુરૂ શ્રીલ પ્રભુપાદજીની દિવ્ય પ્રેરણાથી સુરતના કોસમાડા ખાતે રૂ.૧૦૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રીશ્રીએ ભૂમિપૂજન સ્થળે યજ્ઞમાં આહૂતિ પણ આપી હતી.
એન્થમ સર્કલ, આઇકોનિક રોડ, રિંગ રોડ કેનાલ, કોસમાડા ખાતે ૩.૫૧ લાખ ચોરસ ફૂટમાં નિર્માણ ઈસ્કોન મંદિર પામશે. આ વેળાએ દાતાઓ-શ્રેષ્ઠીઓને ગૃહ મંત્રીશ્રી તેમજ ઈસ્કોન વરાછા મંદિરના પ્રેસિડેન્ટશ્રી મૂર્તિમાન દાસજીએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા.
નોંધનીય છે કે, જગતગુરૂ શ્રીલ પ્રભુપાદજીએ વર્ષ ૧૯૬૬માં ન્યુયોર્કમાં ISKCON- ‘ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ઈસ્કોન)’ ની સ્થાપના કરી અને દશકમાં જ ઈસ્કોન ૧૦૦થી વધુ દેશોમાં ફેલાયું અને ૧૦૮ મંદિરો, ફાર્મ કોમ્યુનિટી, શાળાાઓ અને સાંસ્કૃતિક કેન્દ્રો ઊભા કર્યા, જ્યાંથી વિશ્વભરના લોકો આધ્યાત્મિકતા અને સમુદાય જીવન સાથે જોડાયા.