Friday, Jan 30, 2026

સુરત: લક્ષ્મી ગ્રુપ પર સતત ત્રીજા દિવસે ITના દરોડા યથાવત

2 Min Read

સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા છે. ગજેરા પરિવાર સંચાલિત એજ્યુકેશન, રિયલ એસ્ટેટ અને ડાયમંડ કંપનીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત સહિત મુંબઈની કુલ 30 જગ્યાઓ પર તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે, જ્યાંથી જ્વેલરી, રોકડ રકમ તેમજ જમીન અને શેરબજારમાં કરાયેલા રોકાણોને લગતા મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.

ભાગેડુ મેહુલ ચોક્સીની કંપનીનો હિસ્સો ખરીદવાનો સોદો ગજેરા ગ્રુપને ભારે પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મુંબઈની ED દ્વારા ચાર્જશીટમાં રાકેશ ગજેરાનું નામ દાખલ થયા બાદ તપાસ એજન્સીઓ વધુ સક્રિય બની છે. લક્ષ્મી ડાયમંડના ચોપડામાં કરોડોના કાળા કારોબારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઈન્કમટેક્સ વિભાગે દસ દિવસ પહેલાં કરચોરી બાબતે નોટિસ ફટકારી હતી અને નોટિસના દસ દિવસમાં વસંત ગજેરા એન્ડ કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે.

આ તપાસ પાછળ મુખ્યત્વે મોટી કરચોરીની આશંકા જવાબદાર છે. આઈટી વિભાગને માહિતી મળી હતી કે લક્ષ્મી ગ્રુપમાં ભાગેડુ મેહુલ ચોક્સીનું રોકાણ છે અને ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હતી. મેહુલ ચોક્સીનું નામ મુંબઈમાં દાખલ થયેલા એક કેસની ચાર્જશીટમાં પણ સામે આવ્યું હતું, જેમાં તેના લક્ષ્મી ગ્રુપ સાથેના કનેક્શનની વિગતો મળી હતી. આ કનેક્શન મુદ્દે પણ સઘન તપાસ ચાલી રહી છે.

આવકવેરા વિભાગના અધિકારીઓ ગ્રુપ સાથે સંકળાયેલા બ્રોકરો, ભાગીદારો અને અન્ય સંબંધિત વ્યક્તિઓના રહેણાંક સ્થળો, ઓફિસો, ફેક્ટરીઓ, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને ડાયમંડ ફેક્ટરીઓ સહિતના વિવિધ સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. અધિકારીઓ દ્વારા દસ્તાવેજો જપ્ત કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ વસ્તુઓની પણ તપાસ થઈ રહી છે. ઘટના સ્થળે આઈટી વિભાગના અધિકારીઓની અવરજવર સતત જોવા મળી રહી છે.

આઈટી વિભાગની આ તપાસ પૂર્ણ થયા બાદ પ્રવર્તન નિર્દેશાલય (ED) પણ આ મામલે કાર્યવાહી કરી શકે છે, કારણ કે મેહુલ ચોક્સી જેવા ભાગેડુ સાથેના કનેક્શનના મામલામાં મની લોન્ડરિંગનો એંગલ પણ જોડાઈ શકે છે. સુરતમાં ચાલી રહેલી આ કાર્યવાહી ગુજરાતના સૌથી મોટા આઈટી દરોડાઓમાંની એક ગણાય છે.

Share This Article