Sunday, Dec 14, 2025

સુરતએ પશ્વિમ ભારતનું આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

3 Min Read

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે સુરતના વેસુ સ્થિત મહાવીર આરોગ્ય અને રાહત સોસાયટી દ્વારા રૂા.250 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાથી સજ્જ બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી કુલચંદભાઈ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું લોકાર્પણ કરાયું હતું.

મહાવીર કેન્સર હોસ્પિટલમાં 13 માળ સાથે 2.75 લાખ સ્કે.ફુટમાં ૧૧૦ બેડ અને ૩૬ રૂમ સાથેનું સેનેટોરિયમ, એમ.આર.આઈ., પેટસીટી સ્કેન, ઈમ્યુનોથેરાપી સાથેની અનેકવિધ સારવાર ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, મહાવીર હોસ્પિટલમાં એક જ છત નીચે કેન્સરની સારવાર માટેની અનેકવિધ સાધનોથી સજ્જ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે સરકારની આયુષ્યમાન યોજના હેઠળ કેન્સરની વિનામૂલ્યે સારવાર મળી શકશે.

તેમણે કહ્યું કે, સુરતએ પશ્વિમ ભારતનું ઔદ્યોગિક અને આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છે. જેના પરિણામે વસ્તીમાં પણ વધારો થયો છે તેમ છતા સુરતે છેલ્લા વર્ષોમાં સ્વચ્છતાક્ષેત્રે સમગ્ર ભારતમાં અગ્રીમ રહ્યું છે. હવે આરોગ્ય ક્ષેત્રે પણ સુરત પ્રગતિના પથ પર છે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન કાર્ડના માધ્યમથી ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને આરોગ્યની ઉમદા સહાય મળી રહી છે. વૃદ્ધો અને ગરીબો માટે આરોગ્ય સેવા સુલભ બની છે. 12 કરોડ પરિવારોના 60 કરોડ લોકોને આરોગ્ય કવચ પુરૂ પાડયું છે. છેલ્લા આઠ વર્ષમાં 317 કરોડ દર્દીઓએ PMJAY યોજનાનો લાભ લીધો હોવાનું જણાવ્યું હતું.

ગૃહમંત્રીએ ઉમેર્યું કે, દેશભરમાં 71 કરોડ આભાકાર્ડ બનાવવામાં આવ્યા છે.. ૧૦,૦૦૦થી વધુ જનઆરોગ્ય કેન્દ્રોથી 10 ટકાથી લઈને 50 ટકા સુધીની રાહતદરે દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષમાં 766 નવી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી છે. આગાઉ ૫૧ હજાર એમ.બી.બી.એસ. ડોકટરો બહાર પડતા હતા, હવે દર વર્ષે 1.15 લાખ જેટલા નવા ડોકટરો બની રહ્યા છે. જે પ્રધાનમંત્રીના આગવા વિઝનના કારણે શકય બન્યું છે. સ્વચ્છ ભારત મિશન, પોષણ મિશન, ઈન્દ્ર ધનુષ્ય, જલ જીવન મિશન જેવા અનેક અભિયાનોના પરિણામે આરોગ્યક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યું છે.

આ પ્રસંગે રાજયના ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 1978થી શરૂ થયેલી મહાવીર હોસ્પિટલ દરેક નાગરિકોને રાહતદરે સેવા પૂરી પાડી રહી છે. ટ્રસ્ટ દ્વારા સમયાંતરે જુદી જુદી સારવાર સેવાઓનો ઉમેરો થયો છે. આ તકે મંત્રીશ્રીએ પૂર અને પ્લેગ જેવા સમયે પણ મહાવીર હોસ્પિટલે નિષ્ઠાપૂર્વક કરેલી કામગીરીને યાદ કરી હતી. મહાવીર હોસ્પિટલ હાર્ટની પ્રથમ હોસ્પિટલ તરીકે ઓળખાય છે, જ્યાં હજારો હ્રદયરોગીઓના જીવ બચાવાયા છે. હવે મહાવીર હોસ્પિટલ દ્વારા કેન્સર હોસ્પિટલ શરૂ કરવાનું મહત્વનું કાર્ય થયું છે. કેન્સર સારવાર માટે હવે મુંબઇ કે અન્ય શહેરોમાં જવાની જરૂર નથી, કારણ કે તમામ સુવિધાઓ હવે સુરતમાં જ ઉપલબ્ધ બનશે.

આ પ્રસંગે મહાવીર કેન્સર હોસ્પિટલના અધ્યક્ષ રૂપાબેન મહેતાએ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓની વિગતો આપીને ફુલચંદ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે હોસ્પિટલમાં રેડિયેશન થેરાપી, કીમોથેરાપી, કેન્સર સર્જરી માટેનું હાઈ-ટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, ન્યુક્લિયર મેડિસિન, કેન્સર રિહેબિલિટેશન, ડાયટ અને ન્યુટ્રીશન, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ અને પ્રિસિજન થેરાપી જેવી આધુનિક સુવિધાઓની વિગતો આપી હતી.

આ પણ વાંચો :-

TAGGED:
Share This Article