Tuesday, Dec 16, 2025

જળસંચય અભિયાનમાં રાષ્ટ્રીય ટોપ-10માં સ્થાન સાથે સુરતને 1 કરોડનું ઈનામ

3 Min Read

જળસંચય અભિયાનમાં સુરત જિલ્લાની રાષ્ટ્રીય સિદ્ધિ મેળવી છે. જળસંચય જનભાગીદારી અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના ટોપ ૧૦ જિલ્લાઓમાં મળ્યું સ્થાન હાંસલ કર્યું છે. સુરત જિલ્લાએ રાષ્ટ્રીય સ્તરે ૧૦મો ક્રમાંક હાંસલ કર્યો છે, તેમજ રૂ. ૧ કરોડનું ઈનામ પ્રાપ્ત કર્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત ૬ઠ્ઠા જળ પુરસ્કાર તેમજ જળસંચય જનભાગીદારી પુરસ્કાર વિતરણ સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મૂની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે સુરત જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) પિયુષ પટેલને એવોર્ડ અને પુરસ્કારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

જળસંચય અને જળજાગૃતિના ક્ષેત્રે સુરત જિલ્લાના પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય દ્વારા કક્ષા પર ભારતભરના જળસંચય અભિયાનોની મૂલ્યાંકન પ્રક્રિયા અંતર્ગત દેશના ટોપ ૧૦ જિલ્લાઓમાં ગુજરાતમાંથી એકમાત્ર સુરત જિલ્લાએ આ બહુમાન મેળવ્યું છે. સુરતે વેસ્ટ ઝોનમાં કેટેગરી-૨માં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.

સુરત જિલ્લાના જળસંચયમાં વિશિષ્ટ પ્રદર્શન પાછળનું એક મુખ્ય કારણ ૧૫મા નાણાં પંચ, મનરેગા, કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી- CSR, DMF, જિલ્લા પંચાયત સ્વભંડોળ અને કલેક્ટર ફંડની વિવિધ સહાય અને યોજનાઓનો સફળ સમન્વય છે. જેનાથી ઓછા ખર્ચે, ઝડપથી અને ગ્રામ્ય સ્તર સુધી વ્યાપકપણે જળસંચય કાર્ય શક્ય બન્યું છે.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અમલી બનાવાયેલા ‘જલમિત્ર’ પહેલના કારણે જળ સંરક્ષણ અંગે જાગૃતિ, સ્થાનિક સહભાગિતા અને મહત્તમ જળસંચયના કાર્યોને વેગવાન બનાવવામાં મોટી મદદ મળી હતી.

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ સુરત જિલ્લાની સમગ્ર જનભાગીદારી અને વહીવટી સંકલનનું પ્રતિબિંબ છે. જળમિત્રોએ આ અભિયાનને ગ્રામ્ય ચળવળનું સ્વરૂપ આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના માર્ગદર્શનમાં સુરત જિલ્લામાં બોર અને કૂવા રિચાર્જ સ્ટ્રક્ચર, તળાવ ઊંડા કરવા, ચેકડેમ, રૂફટોપ રેઈન સિસ્ટમ, રિચાર્જ પિટ્સ જેવા ૬૭ હજારથી વધુ જળસંચય- વોટરરિચાર્જ યુનિટ ઉભા કરવામાં આવ્યા છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં જળસંચયમાં લોકસહભાગિતાના કારણે આ સિદ્ધિ હાંસલ થઈ છે

જળસંચય જનભાગીદારીમાં સુરતની વિશિષ્ટ કામગીરી

  • કુલ ૬૭,૦૦૦થી વધુ જળસંચય સ્ટ્રક્ચરનું નિર્માણ
  • ‘જળમિત્ર’ મોડલથી ગ્રામસ્તરે જળ જાગૃતિ અને સંકલિત જનભાગીદારી
  • સરકારી ફાળવણી, નાણા પંચ, CSR અને સહકારી સંસ્થાઓ અને જાગૃત્ત નાગરિકોનો સહયોગ

‘જળમિત્ર’ મોડલથી ગ્રામજનો જાગૃત્ત થયા

જળબચત, જળસંચય અને જળસંરક્ષણના કામો જેવા કે બોર-કુવા-રૂફ ટોપ વોટર રિચાર્જ, નવા તળાવો, હયાત તળાવ ઉંડા કરવા, નવા ચેકડેમ, ચેકડેમ રિપેરીંગ વગેરે જેવા કામો મહત્તમ થાય તે માટે ગામ લોકોમાં જાગૃતિ લાવવા માટે સ્થાનિક નાગરિકોને જળમિત્ર તરીકે જોડવામાં આવ્યા હતા. ખાસ કરીને, વરસાદના સમય દરમિયાન જળ સ્ટ્રક્ચરોનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થાય જેથી તેનો આજીવન લાભ મળતો રહે એવો આ મોડેલનો હેતુ છે.

Share This Article