કામરેજના શેખપુર ગામે હિરામાં મંડીને કારણે 40 વર્ષીય રત્નકલાકારે આર્થિક સંકડામણમાં ઘરના લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડતાં રસોડામાં પંખાની હૂક સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ સુરતના કામરેજના શેખપુર ગામે આવેલા હરિદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાનાં સતરાવા ગામના રહેવાસી 40 વર્ષીય મનસુખભાઈ ખોડાભાઈ સૌદરવા હીરા મજૂરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હીરામાં મંદી હોવાનાં કારણે તેઓ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. જેથી તેઓ સતત તણાવમાં રહેવા લાગ્યા હતા. આખરે ગત તારીખ 1/4/2025ના રોજ તેઓએ ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.
યુવકે આપઘાત કરતાં પહેલાં બનાવેલો વીડિયો સામે આવ્યો આજરોજ (3 એપ્રિલે) રત્નકલાકાર યુવકે આપઘાત કરતાં પહેલાં બનાવેલો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હીરામાં આવેલી મંદીથી કંટાળી આપઘાત કરતો હોવાનું જણાવી રહ્યો છે. સાથે જ દુ:ખભર્યા સ્વરે મારાં બાળબચ્ચાંનું ધ્યાન રાખજો એમ પણ કહી રહ્યો છે. આ સમગ્ર બનાવની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતાં ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે હાલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.