Sunday, Dec 7, 2025

સુરત ક્રાઈમ બ્રાંચની મોટી સફળતા: બેંગકોકથી લવાયેલ 1.70 કરોડથી વધુનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો

2 Min Read

સુરત શહેરમાં નશો વિરુદ્ધ ચાલી રહેલી “NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત પોલીસને એક વધુ મોટી સફળતા મળી છે. શહેરના પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ JCP ક્રાઈમ, DCP ક્રાઈમ અને સુરત ક્રાઈમ બ્રાંચે મળીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડ કર્યો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે બેંગકોકથી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX-263 દ્વારા સુરત આવનાર મુસાફર જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલાને સુરત એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.

બાતમી હકિકત મળી આવતાં જ ડુમસ પોલીસ, એર ઈન્ટેલિજન્સ યુનિટ અને CISF ની ટીમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. આરોપીની ચેક–ઈન લગેજની તપાસ કરતાં તેની ટ્રોલી બેગમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ‘હાઈડ્રો વીડ’ એટલે કે હાઈબ્રિડ ગાંજાના કુલ 4035.97 ગ્રામનો જથ્થો મળ્યો, જેની કિંમત રૂ. 1,41,25,895 જેટલી થાય છે. તાત્કાલિક અસરથી NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી આરોપીને ધરપકડ કરવામાં આવ્યો હતો.

આગામી તપાસ માટે આરોપીને પોલીસ રીમાન્ડ પર લઈ પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન જાફરે ખુલાસો કર્યો કે ગેરકાયદેસર માદક પદાર્થનો વધુ જથ્થો તેણે બેગના પડમાં છુપાવ્યો છે. કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા વધારાના રીમાન્ડ બાદ ક્રાઈમ બ્રાંચે તેની ટ્રોલી બેગનું ટેક્નિકલ સાધનોની મદદથી ઊંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું. બેગના ઉપર–નીચેના પડમાંથી વધુ ચાર પેકેટ મળી આવ્યા, જેમાં કુલ 4 કિલો 852 ગ્રામ હાઈબ્રિડ ગાંજો હતો, જેની અંદાજીત કિંમત રૂ. 1,69,82,000 જેટલી થાય છે.

આ રીતે સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 8.88 કિલો (8887.97 ગ્રામ) હાઈબ્રિડ ગાંજો કબ્જે કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 3,11,07,895 જેટલી છે.

પોલીસ અનુસાર આ જથ્થો ભારતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાનો હતો અને આરોપી ડ્રગ્સ રેકેટનો મહત્વપૂર્ણ ભાગ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ મુખ્ય સપ્લાયર, નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે વધુ તપાસ ચાલુ છે. આ કાર્યવાહી દર્શાવે છે કે સુરત પોલીસ શહેરમાંથી નશાના નેટવર્કને નાબૂદ કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

Share This Article