સુરતના GCASમાં પ્રવેશ પ્રક્રિયા ધીમી હોવાના કારણે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે આજે અખિલ ભારતીય વિદ્યાર્થિ પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધીને GCASના વિરોધમાં આંદોલન કર્યું અને તાત્કાલિક પ્રવેશ પ્રક્રિયા ઝડપી કરવામાં આવે એવી માંગ ઉઠાવી છે.
વિદ્યાર્થીઓનો યુનિવર્સિટી ગેટ પાસે ઉપગ્રહ વિરોધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. GCASમાં અનેક ત્રુટીઓ હોવાને કારણે વિદ્યાર્થીઓને કોલેજોમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. એક જ પ્લેટફોર્મ ઉપરથી મેરીટ તૈયાર થઈ ગયા બાદ વિદ્યાર્થીઓને સંલગ્ન કોલેજોની અંદર પ્રવેશ આપવા માટે સરકાર દ્વારા આ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. જો કે આ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલ પુરવાર થઈ રહે છે. જેનો વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને કરવામાં આવી રહ્યો છે.
ખાનગી યુનિવર્સિટીને પણ GCAS અંતર્ગત લાવો
ABVPના યુનિવર્સિટી કેમ્પસ પ્રમુખ શુભમ સિંઘે જણાવ્યું કે, GCAS અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી આવી રહી છે, જેને કારણે વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટી છોડીને ખાનગી યુનિવર્સિટી તરફ વળી રહ્યા છે. અમારી એવી માંગણી છે કે, GCAS અંતર્ગત ખાનગી યુનિવર્સિટીઓને પણ લેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓની મેરીટના આધારે પારદર્શકતાથી પ્રવેશ લઈ શકે. અનેક પ્રકારની ત્રુટીઓને કારણે વિદ્યાર્થીઓમાં GCASને ભારે રોષ જોવા મળી રહ્યો છે.