Wednesday, Nov 5, 2025

સુરત : SMCના વાહનની બેદરકારીથી 13 વર્ષના બાળકનું મોત, પરિવાર શોકમાં તૂટી પડ્યો

2 Min Read

સુરતના ઉધના વિસ્તારમાં પાલિકાની કચરા ગાડીએ અકસ્માત કરી 13 વર્ષના કિશોરનો ભોગ લીધો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી કાર્તિક અનિલ નેહેતેને સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડીએ અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કાર્તિક તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો, જેના મૃત્યુથી પરિવાર ગમગીન છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને ઉધનાના શિવનગરમાં 13 વર્ષીય કાર્તિક અનિલ નેહેતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને બે બહેન છે. મૃતક કિશોર રાત્રિના સમયે પોતાના બહેનો સાથે મોપેડ પર ઘરના નજીક સોડા પીવા નીકળ્યો હતો. ત્યારે SMCની કચરાની ગાડી અચાનક ઝડપે આવી ટર્ન લઈને મોપેડને અડફેટે લીધી હતી. જેથી બંને બહેન અને કાર્તિક ગંભીર રીતે ઘવાયા હતા. ગંભીર ઈજા થવાથી કાર્તિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્તિકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યો હતો. આ સાથે જ ઇજાગ્રસ્ત થયેલા મોપેડ ચાલક અને તેની બહેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઉધના પોલીસે કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાને લઈને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ડ્રાઇવર સામે કડક કાર્યવાહીની માગ
અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. પરિવારની માગ છે કે રોડ સલામતી માટે પાલિકા દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે અને આવા વાહનોના ચાલકોને ટ્રેઇનિંગ તથા મર્યાદિત ઝડપના નિયમોની કડક અમલવારી કરાવવી જોઈએ. આ સાથે જ આ કચરાની ગાડીના ચાલકને પણ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

મૃતકના પિતા અનિલ નેહેતેએ જણાવ્યું કે મને ફોન આવ્યો કે તમારા છોકરાનો કચરાની ગાડી સાથે અકસ્માત થયો હતો. મારા છોકરાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ડ્રાઇવરની બેદરકારીના કારણે મોત થયું છે. મારી માગ છે કે મારા દીકરાને ન્યાય મળવો જોઇએ.

Share This Article