બિહારમાં 65% અનામત મામલે નીતીશ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. અગાઉ, 20 જૂને પટના હાઈકોર્ટે 65% જાતિ આધારિત અનામત આપવાના બિહાર સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કરી દીધો હતો. નીતિશ સરકારે પટના હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ હાલમાં તેને કોઈ રાહત મળી નથી. જો કે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારની અપીલને સુનાવણી માટે સ્વીકારી લીધી હતી. કોર્ટે વકીલ મનીષ કુમારને નોડલ વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. કોર્ટ હવે આ મામલે સપ્ટેમ્બરમાં સુનાવણી કરશે.
બિહાર સરકારે પછાત વર્ગ, SC અને ST સમુદાયના લોકો માટે રોજગાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી. બિહાર સરકારે 9 નવેમ્બર, 2023 ના રોજ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવા માટે કાયદો પસાર કર્યો હતો. બિહાર સરકારે ગયા વર્ષે જાતિ ગણતરી હાથ ધરી હતી અને તેના આધારે તેણે OBC, અતિ પછાત વર્ગ, દલિત અને આદિવાસીઓનું અનામત વધારીને 65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો.જેને પટના હાઈકોર્ટે રદ કર્યો હતો.
બિહાર સરકારે હાઈકોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે માંગ્યો હતો અને કહ્યું હતું કે જો વચગાળાની રાહત આપવામાં નહીં આવે તો રાજ્યમાં મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી છે. જેમાંથી કેટલીક અંતિમ તબક્કામાં છે. આ પસંદગી પ્રક્રિયાને અસર કરશે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે પછાત વર્ગનું પૂરતું પ્રતિનિધિત્વ હોવાનું હાઈકોર્ટનું તારણ જાતિ સર્વેક્ષણના આંકડા પર આધારિત છે.
આ પણ વાંચો :-