સુપ્રીમ કોર્ટે વીર સાવરકર વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં તેમની ટિપ્પણીને ‘બેજવાબદાર’ ગણાવીને ફટકાર લગાવી છે. કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના તે આદેશ પર સ્ટે આપ્યો, જેમાં રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની ટિપ્પણીને ‘બેજવાબદાર’ ગણાવી હતી. તેમજ સાવરકર વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ચેતવણી આપતા કહ્યું કે તમે સ્વતંત્રતા સેનાનીઓના ઇતિહાસને સમજ્યા વિના આવું નિવેદન આપી ન શકો. કોર્ટે ચેતવણી આપી હતી કે જો રાહુલ ગાંધી ભવિષ્યમાં આવું નિવેદન આપશે તો અમે આ મામલાની પોતે જ નોંધ લઈશું અને સુનાવણી કરીશું. આપણને આઝાદી અપાવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે તમે આવું કેવી રીતે વર્તન કરી શકો છો? કાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશો કારણ કે તેમણે સાવરકર માટે “ફેથફુલ સર્વન્ટ” લખ્યું હતું.
શું છે આખો મામલો?
લખનઉ સ્થિત વકીલ નૃપેન્દ્ર પાંડેએ રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમ 153(A) અને 505 હેઠળ કેસ દાખલ કર્યો હતો કે 17 ડિસેમ્બર, 2022 ના રોજ, મહારાષ્ટ્રના અકોલામાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ વીર સાવરકરને અંગ્રેજોના નોકર અને પેન્શનર કહ્યા હતા. પત્રકાર પરિષદમાં પત્રકારોને પહેલા તૈયાર કરેલી પત્રિકાઓ પણ આપવામાં આવી હતી. આ દર્શાવે છે કે રાહુલ ગાંધીએ સમાજમાં નફરત ફેલાવવાના ઈરાદાથી સંપૂર્ણ તૈયારી સાથે તે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.