કેન્દ્ર સરકારે UGC માટે નવા નિયમો બનાવ્યા છે જેને લઈને દેશભરમાં સવર્ણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપમાં જ કેટલાક નેતાઓ ખૂલીને નવા નિયમોનો વિરોધ કરી રહ્યા છે. એવામાં આજે દેશની સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે આ નિયમો પર રોક લગાવી છે. સુપ્રીમે કહ્યું કે આ નિયમોથી સમાજ બે ભાગમાં વહેંચાઈ જશે.
ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને તેના દુરુપયોગનો ખતરો વધારે છે. સુનાવણી બાદ કોર્ટે નવા નિયમો પર સ્ટે લગાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 19 માર્ચે થશે.
ચીફ જસ્ટિસે આદેશ આપ્યો કે 2012ના જૂના નિયમો જ ફરી લાગુ કરાશે. નવા નિયમોમાં જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેનાથી લાગે છે કે તેનો દુરુપયોગ થશે. સુનાવણી દરમિયાન અરજી કરનારા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે UGCની ધારા 3(C) ગેરબંધારણીય છે. સુનાવણી દરમિયાન દેશના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે સ્વતંત્રતાના 75 વર્ષ બાદ પણ આ દેશ જાતિઓની જાળમાંથી બહાર નથી આવી શક્યો. સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ કહ્યું કે આશા રાખું છું કે આપણે અમેરિકા જેવી સ્થિતિમાં ના પહોંચી જઈએ જ્યાં એક સમયે શ્વેત અને અશ્વેત બાળકોએ અલગ અલગ શાળાઓમાં ભણવું પડતું હતું.