સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. હવે આ કેસની વધુ સુનાવણી 21 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરના રોજ અરવલ્લી પર્વતમાળા અને તેની ટેકરીઓની એક સમાન વ્યાખ્યાને માન્યતા આપી હતી. સાથોસાથ, નિષ્ણાતોનો અહેવાલ તૈયાર ન થાય ત્યાં સુધી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના અરવલ્લી પટ્ટામાં ખનન માટેના નવા કોન્ટ્રાક્ટ (લીઝ) આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
પર્યાવરણ અને વન મંત્રાલયની સમિતિએ આપેલી નવી વ્યાખ્યાને કોર્ટે મંજૂરી આપી છે. આ મુજબ, અરવલ્લીના જિલ્લાઓમાં 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી કોઈપણ ભૌગોલિક સંરચનાને ‘ટેકરી’ ગણવામાં આવશે. વળી, જો આવી ટેકરીઓ 500 મીટરની ત્રિજ્યામાં સમૂહમાં હોય, તો તેને ‘અરવલ્લી પર્વતમાળા’ તરીકે ઓળખવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે પોતે જ આ મામલે નોંધ લીધી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, અરવલ્લીની ચોક્કસ વ્યાખ્યાને લઈને ઉભા થયેલા વિવાદ બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે સ્વેચ્છાએ(સ્યુઓ મોટો) સંજ્ઞાન લીધું હતું. સીજેઆઈ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી વેકેશન બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી, જેમાં જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ પણ સામેલ હતા.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સોમવારે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, ‘કોર્ટના અગાઉના નિર્દેશો અને સમિતિની ભલામણો પર હાલ પૂરતી રોક લગાવવી જરૂરી છે. જ્યાં સુધી નવી હાઈ-પાવર્ડ એક્સપર્ટ કમિટીની રચના ન થાય, ત્યાં સુધી આ મનાઈહુકમ ચાલુ રહેશે. આ મામલે હવે 21 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
શું છે સમગ્ર વિવાદ?
નોંધનીય છે કે ગયા મહિને જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી હતી કે 100 મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લીની ગિરિમાળા માનવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ વ્યાખ્યાને માન્યતા પણ આપી દીધી હતી. જે બાદ રાજસ્થાન અને હરિયાણામાં પર્યાવરણપ્રેમીઓ દ્વારા અરવલ્લીને બચાવવા માટે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોએ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે. જોકે ભારે વિરોધ અને વિવાદ વધતાં જોઈ કેન્દ્ર સરકારે 24મી ડિસેમ્બરે નવો આદેશ જાહેર કરી કહ્યું હતું કે અરવલ્લીમાં નવા ખાણકામની મંજૂરી આપવામાં આવશે નહીં.